મોટાભાગની બેઠકોમાં મતની ટકાવારી ઘટતા રાજકીય ગણિત ખોરવાય તેવી શકયતા
‘આપ’ને કારણે મતોનુ વિભાજન સહિતના મુદ્દાઓ અનેક બેઠકોના પરિણામો પલટાવી શકે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની 89 બેઠકોમાં સરેરાશ 62.89 ટકા મતદાન થયુ હોવાનું ચૂંટણી પંચના અંદાજીત આંકડામાં સુચવવામાં આવ્યું છે. 2017ની સરખામણીએ અંદાજીત પાંચ ટકાનો ઘટાડો થયો છે. જયારે 2012 કરતા 9 ટકા ઓછુ છે. આ વખતની મુદ્દા વગરની ચૂંટણી અને ત્રિપાંખીયો જંગ હતો ત્યારે ઓછુ મતદાન કયા પક્ષને તારશે અને કોને ડુબાડશે તેના રાજકીય ગણીત મંડાવા લાગ્યા છે. તમામ પક્ષો જીતને દાવો કરી જ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 182 પૈકીની 89 બેઠકો માટેની પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન ગુરૂવારે ખત્મ થયુ હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ખત્મ થતા તંત્ર દ્વારા રાહતનો શ્ર્વાસ ખેંચાયો હતો. ચૂંટણીપંચ દ્વારા મોડીરાત્રે 89 બેઠકોના મતદાનના આંકડા જારી કરવામાં આવ્યા હતા તે અંતર્ગત 89 બેઠકોનું સરેરાશ મતદાન 62.89 ટકા થવા જાય છે. આ આંકડામાં પોસ્ટલ બેલેટ સામેલ ન હોવાની ચોખવટ કરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીમાં લોકોને આકર્ષી શકે તેવો કોઈ મુદ્દો ન હતો અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોની ભરમાર હતી ત્યારે પ્રચારના તબકકે જ મતદારોમાં ઉદાસીનતા માલુમ પડવા લાગ્યુ હતું. આ સિવાય ચિકકાર લગ્નગાળો, ગામડાઓમાં કૃષિસીઝન જેવા પરિબળોએ પણ ભાગ ભજવ્યો હતો. મતદાન ઓછુ થવાની શંકા અગાઉથી જ વ્યક્ત થવા લાગી હતી હવે તે પ્રથમ તબકકામાં સાચી પડી છે. 89 બેઠકોમાં સરેરાશ 62.89 ટકા મતદાન થયુ છે જે 2017ની ચૂંટણી વખતે આ 89 બેઠકોમાં 67.17 ટકા તથા 2012માં 71.77 ટકા હતુ. આ સંજોગોમાં દાયકાનું સૌથી ઓછુ મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છથી માંડીને દક્ષિણ ગુજરાતની મોટાભાગની બેઠકોમાં મતદાનમાં વતાઓછા પ્રમાણમાં ઘટાડો હોવાના સંકેત છે. મહત્વની વાત એ છે કે પાટીદાર અનામત આંદોલનના પ્રભાવ હેઠળ કોંગ્રેસે 89માંથી 36 બેઠકો જીતીને વર્ચસ્વ સ્થાપ્યુ હતું. આ બેઠકોના મતદાનમાં સરેરાશ 5થી6 ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે 2017માં ભાજપે જીતેલી 89 પૈકીની 50 બેઠકો પર સરેરાશ 7થી8 ટકાનો ઘટાડો છે. જ્ઞાતિવાઈઝ બેઠકોની એનાલીસીસમાં એવું માલુમ પડે છે કે પાટીદારોની બહુમતીવાળી 37 બેઠકોમાં મતદાન 7થી8 ટકા ઓછુ થયુ છે. આદિવાસી વર્ચસ્વ ધરાવતી 14 બેઠકોમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયુ હોવા છતા 2017 કરતા 5થી7 ટકા ઓછુ છે.
આ જ રીતે ઓબીસી પ્રભુત્વવાળી બેઠકોના સરેરાશ મતદાનમાં 5થી6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
2017ના જ મતદાનના આંકડાઓના આધારે રાજકીય ગણિત માંડનારા રાજકીય પક્ષો-નેતાઓના ગણિત ઓછા મતદાનથી ખોરવાવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. જાણકારોના કહેવા પ્રમાણે આ વખતે ત્રિપાંખીયો જંગ હતો અને તેમાં મતદાન ઓછુ થયુ છે એટલે ભાજપ-કોંગ્રેસ બન્નેના ગણિત બગડી શકે છે.
- Advertisement -
PM, CM, ગવર્નર જે બેઠક પરથી લડ્યા ત્યાં 11 ટકા ઓછું મતદાન !
આ વખતે વિધાનસભા 69 બેઠક પર 57.12 ટકા તો ગત ચૂંટણીમાં 68.48 ટકા મતદાન થયું હતું
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપની હાઈ પ્રોફાઈલ બેઠક ગણાતી રાજકોટ પશ્ચિમમાં ગત ચૂંટણી કરતા આ વખતે 11 ટકા મતદાન ઓછું થતા ચકચાર મચી છે. જે બેઠક પરથી મોદી મુખ્યમંત્રી બન્યા હતા. જે બેઠક પર વજુભાઈ વાળા જીતતા આવતા હતા. ત્યાં ગુરુવારે સાંજે મતદાનનો સમય પૂરો થયો ત્યારે ચિત્ર કંઇક જુદું જ આવ્યું, 2017ની સરખામણીમાં આ વખતે 6.27 ટકા મતદાન ઘટ્યું હતું, મતદાન ઓછું થવા પાછળ ભાજપના ટોચના નેતાઓની નિષ્ક્રિયતા આંખે ઊડીને વળગતી હતી. જે બેઠક પર ધુરંધરો જીતતા આવ્યા તે બેઠક પર 11 ટકા ઓછું મતદાન થતાં ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી જે બેઠક પરથી ચૂંટણી લડતા હતા તે રાજકોટ પશ્ચિમ બેઠક પર તે સમયે 68.48 ટકા મતદાન થયું હતું અને રૂપાણી 50 હજારની લીડથી જીત્યા હતા, પરંતુ આ વખતે રૂપાણી લડતા નહોતા, મુખ્યમંત્રી પરથી તેઓને દૂર કરાયા બાદ આ બેઠક પર રૂપાણી જૂથના કોઇ નેતાને ટિકિટ મળશે તેવું માનવામાં આવી રહ્યું હતું. ડો.દર્શિતા શાહને ટિકિટ અપાતા ટિકિટ વાંછુક નેતાઓ નારાજ થયા હતા. વિધાનસભા 68માં મંત્રી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાતા તે નારાજ થયાની વાત જગજાહેર છે, અને પ્રચારમાં તેમના સમર્થકોને દૂર રાખવામાં આવ્યા હતા.અત્યાર સુધીના રાજકોટના ઇતિહાસ મુજબ જ્યારે જ્યારે 40 ટકાથી ઓછું અને 69 ટકાથી વધુ મતદાન થાય ત્યારે વિપરીત પરિણામ આવે છે, પરંતુ 60થી 65 ટકા સુધીનું મતદાન ભાજપ માટે ફળદાયી બન્યું છે