સરકારી વાહનનો બેફામ દુરૂપયોગ
પૂર્વ પ્રમુખ મુકેશ દોશીએ પુજારાની ગાડીનો ભરપૂર ઉપયોગ કર્યો, તેનો ખર્ચ પાર્ટી પર શા માટે નહીં?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા સરકારી કારમાં પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા. મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ પણ સરકારી કારનો અંગત કામમાં દુરુપયોગ કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર બહાર આવતા રહે છે. રાજકોટ મહાનગરપાલિકા તેમના પાંચ પદાધિકારીઓને ઇનોવા વાહનની સેવા આપે છે તે જ રીતે શિક્ષણ સમિતિના ચેરમેન અને તેના સભ્યો માટે વાહન આપે છે. આ સરકારી વાહનનો ઉપયોગ સ્કૂલ વિઝિટ અને વિદ્યાર્થી કલ્યાણ માટે કરવાનો હોય છે તેની જગ્યાએ શિક્ષણ સમિતિના સત્તાધીશો પોતાના સગા સંબંધીઓ માટે સરકારી વાહનોનો અંગત ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
તાજેતરમાં રાજકોટ મનપાના વાહનનો દુરુપયોગ કરવાના પ્રકરણ વિવાદ નજર નાખવામાં આવે તો શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા પણ મનપાનું સરકારી વાહન અંગત કામમાં ફેરવી દુરુપયોગ કરતા હોવાની ચર્ચા છે. આ સાથે સવાલ ઉઠ્યા છે કે, શું શિક્ષણ સમિતિના ચેરમેનની કારના ડ્રાઇવર નોંધપોથી (લોગ બુક) નિભાવે છે? અને નિભાવે છે તો તેની દેખરેખ કોણ રાખે છે? એવું કહેવાઇ છે કે, એક સમયે ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેનની કારનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિના ચેરમેનને અપાયેલા સરકારી વાહનનો તમામ ખર્ચ મનપા જ ભોગવે છે ત્યારે શાસક પક્ષના નેતાની કાર ક્યાં જાય છે તેની તપાસ કરવામાં આવે છે તો શિક્ષણ સમિતિના ચેરમેનની ઇનોવા કાર શિક્ષણ કલ્યાણ અને સ્કૂલ વિઝીટ સિવાય ક્યાં ફરે છે તેની તપાસ કોણ કરશે? શું સરકારી કામ વગર વાહન અંગત વપરાશ માટે લેવામાં આવેલ હોય તો પેટ્રોલ-ડિઝલનો ખર્ચ ચેરમેન પાસેથી વસૂલ કરવામાં આવશે? વિક્રમ પુજારા રાષ્ટ્રવાદી પક્ષના જવાબદાર નેતા છે અને શિક્ષણ સમિતિના ચેરમેન છે. તને જોઈને જ શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવતા હોય છે ત્યારે તેઓ સરકારી વાહનની જગ્યાએ સાયકલ ઉપર દરેક જગ્યાએ જાય તો અલગ છાપ ઊભી થાય.



