મેટા એઆઈ સંશોધક મેટ ડેઇટકેને $250 મિલિયનનું પેકેજ ઓફર કર્યું, જે એઆઈ પ્રતિભા માટે સ્પર્ધાત્મક ભરતી વચ્ચે પ્રારંભિક ઓફરને બમણી કરશે
એઆઈ આધારિત ભવિષ્યમાં આર્થિક અસમાનતા અંગે પણ સવાલો ઊભા કર્યા
- Advertisement -
દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નું પ્રભુત્વ વધી રહ્યું છે તેમ ટોચની ટેક્નોલોજી કંપનીઓ એઆઈ આધારિત સંશોધનમાં વધુને વધુ રોકાણ કરી રહી છે. માર્ક ઝકરબર્ગની મેટાએ 24 વર્ષના એઆઈ નિષ્ણાત મેટ ડાઇકને અધધધ કહી શકાય તેવું 25 કરોડ ડોલરનું પેકેજ ઓફર કર્યું છે, જેણે એઆઈ સેક્ટરમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટેના યુદ્ધમાં નવા સિમાચિહ્નો સ્થાપિત કર્યા છે. જોકે, ઝકરબર્ગની આ ઓફરે એઆઈ આધારિત ભવિષ્યમાં આર્થિક અસમાનતા અંગે પણ સવાલો ઊભા કર્યા છે.
મેટ ડાઈક વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના ડોક્ટરલ પ્રોગ્રામમાંથી ડ્રોપઆઉટ
મેટાએ ચાર વર્ષ પહેલાં મેટાએ અંદાજે 12.5 કરોડ ડોલર ઓફર કર્યા
- Advertisement -
વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના ડોક્ટરલ પ્રોગ્રામમાંથી ડ્રોપઆઉટ લેનારા વિદ્યાર્થી મેટ ડાઈકને ચાર વર્ષ પહેલાં મેટાએ અંદાજે 12.5 કરોડ ડોલર ઓફર કર્યા હતા. પરંતુ ડાઈકે આ ઓફર ફગાવી દીધી હતી. પરિણામે એઆઈ સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા માગતા માર્ક ઝકરબર્ગ પોતે મેદાનમાં આવ્યા હતા.
માર્ક ઝકરબર્ગે જાતે એઆઈ સંશોધક મેટ ડાઈકને મળીને તેમની ઓફર બમણી કરીને 25 કરોડ ડોલર ઓફર કર્યા
આ વખતે માર્ક ઝકરબર્ગે જાતે એઆઈ સંશોધક મેટ ડાઈકને મળીને તેમની ઓફર બમણી કરીને 25 કરોડ ડોલર ઓફર કર્યા, જેમાં 10 કરોડ ડોલર પહેલા જ વર્ષમાં ચૂકવવાનું જણાવ્યું હતું. ઝકરબર્ગની આ ઓફર એઆઈ રિસર્ચર મેટ ડાઈક નકારી શક્યો નહીં. આ સાથે મેટ ડાઈકે કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ પેકેજ મેળવ્યું હોવાનું મનાય છે. મેટ ડાઇક પ્રોફેશનલ એઆઈ સંશોધક છે. તેણે વિશ્વવિખ્યાત વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સમાં ડૉક્ટરેટની પદવી માટે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેણે અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો. ત્યાર પછી ડાઇકે સીએટલમાં એલન ઈન્સ્ટિટયૂટ ફોર એઆઈમાં કામ કર્યું. ત્યાં તેણે મોલ્મો નામનું એક એઆઈ ચેટબોટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ચેટબોટ ઈમેજ, વોઈસ અને ટેક્સ્ટને ડીકોડ કરવા સક્ષમ છે અને તે મેટાના વિઝનને અનુરૂપ છે.
આ સિવાય ડાઇકે 3ડી ડેટાસેટ અને એમ્બોડાઈડ એઆઈ પર કામ કર્યું. તેના માટે ડાઈકને નેઉરઆઈપીએસ 2022માં આઉટસ્ટેન્ડિંગ પેપર એવોર્ડ મળ્યો. આ એવોર્ડ એઆઈ રિસર્ચ કોમ્યુનિટીમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. 10000થી વધુ રિસર્ચ પેપર્સમાંથી કેટલાક પસંદગીના પેપર્સને જ આ એવોર્ડ અપાય છે.
મેટ ડાઈકે નવેમ્બર 2023માં પોતાનું સ્ટાર્ટઅપ વર્સેપ્ટ શરૂ કર્યું હતું. ડાઈકનું સ્ટાર્ટઅપ એવા એઆઈ એજન્ટ્સ પર કામ કરે છે, જે ઈન્ટરનેટ આધારિત સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપમેળે કામ કરી શકે છે. ડાઈકના સ્ટાર્ટઅપમાં 10 કર્મચારી છે. આ સ્ટાર્ટઅપમાં રોકાણ કરનારામાં ગૂગલના પૂર્વ સીઈઓ એરિક શ્મિટનો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપમાં રોકાણકારોએ 1.65 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. મેટ ડાઈકની ભરતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં સ્પર્ધા માટે મેટાની આક્રમક્તા દર્શાવે છે. મેટાએ તેની સુપર ઈન્ટેલિજન્સ લેબ ટીમમાં એઆઈ ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટે એપલની એઆઈ મોડેલ્સ ટીમના ભૂતપૂર્વ વડા રોમિંગ પેંગને અંદાજે 20 કરોડ ડોલર સહિત એઆઈ સંશોધકોને કુલ 100 કરોડ ડોલરથી વધુની રકમ ચૂકવી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. કંપનીએ તેના અર્નિંગ્સ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2025 માટે તેનો મૂડી ખર્ચ 72 અબજ ડોલર સુધી વધશે, જે વાર્ષિક લગભગ 30 અબજ ડોલરનો વધારો દર્શાવે છે.
માર્ક ઝકરબર્ગે કંપનીના અર્નિંગ્સ કોલ પર રોકાણકારોને જણાવ્યું હતું કે, અમે અસાધારણ પ્રતિભાશાળી ટીમ ઊભી કરી રહ્યા છીએ. આપણે અનેક ગીગાવોટ ક્લસ્ટર્સ બનાવવા કમ્પ્યુટિંગ પર સેંકડો અબજ ડોલરનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ. આ માટે દુનિયાના સૌથી શ્રેષ્ઠ 50 કે 70 સંશોધકોને એકત્ર કરવા માટે જે જરૂરી હોય તે કરવું પડશે.
નિષ્ણાતોએ આવા જંગી પેકેજ અને કેટલીક કંપનીઓના હાથમાં સત્તા કેન્દ્રીત થવાથી એઆઈનું પ્રભુત્વ ધરાવતા ભવિષ્યમાં આર્થિક અસમાનતા વધવાના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રમાં સ્પર્ધાથી ઈનોવેશનને પ્રોત્સાહન મળશે અને ઊંચા પેકેજ વધુ ને વધુ શ્રેષ્ઠ પ્રતિભાઓને આ સેક્ટર તરફ આકર્ષશે તેવી ચર્ચા થઈ રહી છે ત્યારે કેટલાક નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, કોઈ એક જ વ્યક્તિને જંગી પેકેજ અને કેટલીક કંપનીઓના હાથમાં સત્તાના કેન્દ્રીકરણથી એઆઈ સેક્ટરના વિકાસમાં આકાર આપવામાં સક્ષમ નાના ડેવલપર્સ અને કંપનીઓને ભારે નુકસાન થશે, જેને પગલે આર્થિક અસમાનતામાં વધારો થવાનું જોખમ ઊભું થશે.
મેટા જેવી કંપનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે આપણા અર્થતંત્રોને વધુ અસમાનતા તરફ લઈ જાય છે. આ કંપનીઓ ગણતરીના અગ્રણી સંશોધકોને લાખો-કરોડો ડોલરના પેકેજ ઓફર કરે છે જ્યારે આ જ સમયે તેઓ પાયાના સ્તરે કન્ટેન્ટ મોડરેટર્સ જેવા સેંકડો કર્મચારીઓને છૂટા કરી દે છે. મેટા અને તેના જેવી કંપનીઓ પાયાના સ્તરની આ નોકરીઓને એઆઈ સિસ્ટમથી બદલવા માટે આક્રમક્તાથી કામ કરે છે. વધુમાં આ પ્રકારના પેકેજ એક મૂળભૂત મુદ્દાનો ઉકેલ નથી લાવતા, જેમાં આ એઆઈ સિસ્ટમ્સનું કામકાજ શક્ય બનાવતા ડેટા માટે કોઈ રકમ ચૂકવાતી નથી.