જ્યાં મૂર્ખ લોકોની પૂજા થતી નથી, અન્ન વગેરેના ભંડાર ભરેલા રહે છે, પતિ-પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થતો નથી; ત્યાં મહાલક્ષ્મી માતા સ્વયં આવીને નિવાસ કરે છે.
કથામૃત: એક દંપતિ હતું. પતિ-પત્ની બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં અને એકબીજાની સારસંભાળ રાખતા હતાં. તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. એક દિવસ પત્નીએ પતિને કહ્યું, ભગવાને મને કેટલા સુંદર લાંબા વાળ આપ્યા છે, પણ આ વાળમાં નાખવા માટે એક પણ સારી હેરપીન ઘરમાં નથી. મને એક સારી હેરપીન તો લાવી આપો ને. પતિએ પત્નીને સાંભળી અને પછી કહ્યું, અરે ગાંડી, તને તારી હેરપીનની પડી છે. મારી ઘડિયાલનો બેલ્ટ કેટલા દિવસથી તૂટી ગયો છે. નવો બેલ્ટ લેવાના પૈસા નથી, તો તારી હેરપીન કેવી રીતે લાવું ? એક દિવસ પતિ સાંજે પોતાનું કામ પૂરું કરીને ઘર તરફ આવી રહ્યો હતો.
- Advertisement -
રસ્તામાં ઘડિયાલવાળાની દુકાન આવી એટલે ત્યાં જઈને પોતાની બેલ્ટ વગરની ઘડિયાલ વેચી નાંખી અને મળેલી રકમમાંથી કટલેરીની દુકાન પરથી પત્ની માટે સુંદર હેરપીન લીધી. ઘેર આવીને બારણું ખખડાવ્યું. પત્નીએ બારણું ખોલ્યું અને પોતાની પત્નીને થોડીવાર તો સૂનમૂન બનીને જોઈ જ રહ્યો. પત્નીએ પૂછ્યું, આમ શું ભૂતની જેમ ડોળા ફાડીને જોઈ રહ્યા છો ? પતિ એટલું જ બોલી શક્યો, તારા લાંબા વાળ ક્યાં ગયા ? પત્નીને જવાબ આપતા કહ્યું, મેં વાળ કપાવી અને વેચી નાખ્યા. અને બદલામાં મળેલી રકમમાંથી તમારી ઘડિયાલ માટે આ અફલાતુન બેલ્ટ લાવી છું. પત્નીએ બેલ્ટ પતિના હાથમાં મૂક્યો અને પતિએ પત્નીને બધી વાત કરીને એના માટે લાવેલી હેરપીન એના હાથમાં મૂકી. બંને એકબીજાને પ્રેમથી ભેટી પડયાં.
બોધામૃત
સંબંધોને જાળવવા અને વિકસાવવા માટે સામેવાળી વ્યક્તિ મારા માટે શું કરે છે એ નહીં, હું સામેવાળી વ્યક્તિ માટે શું કરી શકું એ વિચારજો. પ્રેમ એટલે પ્રાપ્તિ નહીં, પ્રેમ એટલે સમર્પણ.