સંસ્કૃતના વિદ્વાન ગણપતિ શાસ્ત્રીએ જેમને ભગવાન શ્રીરમણ મહર્ષિ તરીકે ઓળખાવ્યા એ વેંકટ રામન માત્ર સત્તરમા વર્ષે ગૃહ ત્યાગ કરીને ’અરુણાચલમ્’ પર્વત પર સાધના કરવા માટે ચાલ્યા ગયા હતા. અરુણાચલ મંદિરે આવીને ભગવાન અરુણાચલેશના પગમાં પ્રણિપાત કરીને સત્તર વર્ષના યુવાને જે આત્મ સમર્પણ કર્યું એ આપણને મુગ્ધ કરીદે તેવું હતું : “પ્રભુ! હું તમારા શરણે આવ્યો છું. તમે જ મારા સંરક્ષક, પ્રેરક અને પ્રકાશદાતા છો. તમારા પ્રત્યે કોણ જાણે કેમ પણ મારા પ્રાણમાં પુષ્કળ પ્રેમ પ્રવાહિત થઈ ચૂક્યો છે. એ પ્રબળ અને પવિત્ર પ્રેમ કોઈ કાળે, કે કોઈ કારણે મંદ પડે કે મટે તેવો નથી.
તમારા સર્વભાવે સ્વીકારેલા શરણથી મને શાંતિ મળી છે. મારું ચિત્ત ચિંતારહિત અને પ્રફુલ્લિત થયું છે.” આટલું કહ્યા પછી તેઓ મંદિરમાં બેસીને મંત્ર-જાપમાં લીન થઈ ગયા. એ પછી પવલકુનુ નામની ટેકરી ઉપર બેસીને એમણે ઉત્કટ આત્મ સાધના કરી. મૌન વ્રતનું પાલન કર્યું અને સમગ્ર જીવનનું રક્ષણ, વહન અને પાલન ઈશ્વરના હાથોમાં સોંપી દીધું. ઈશ્વરે કહ્યું છે ‘્રૂળજ્ઞઉંષજ્ઞર્પૈ મવળબ્રવબ્ળ’ તે પ્રમાણે એક સત્તર વર્ષના અલ્પ શિક્ષિત, અબુધ ગ્રામીણ બાળકનું ભારતના આધ્યાત્મિક આકાશના સૌથી ચમકતા સિતારા તરીકે પ્રતિષ્ઠાપન થયું. આ માત્ર ઈશ્વરના આશીર્વાદને કારણે જ થયું. આપણે પૂ. મહર્ષિના જેવું સંપૂર્ણ આત્મ સમર્પણ કરતા ક્યારે શીખીશું?