સ્વચ્છતા, દબાણોની જેમ ઢોર પકડવા માટે ઝુંબેશ શરૂ કરવાની લોકમાગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર શહેરમાં ઠેરઠેર રખડતા ઢોરના અડીંગાથી લોકો પરેશાન થતા છે. ત્યારે આ પશુઓ દ્વારા લોકોને અડફેટે લેતા અકસ્માતના બનાવો પણ સામે આવે છે. સુરેન્દ્રનગર મનપા બન્યું પણ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓથી છૂટકારો ક્યારે તેવું પ્રજા પૂછી રહી છે. મનપાએ સ્વચ્છતા, ટ્રાફિક અને દબાણો પર જેમ ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી કરી તેવી જ ઢોર પકડવા પર ઝુંબેશ શરૂ કરવા માગ ઊઠી છે.
સુરેન્દ્રનગર શહેરના લગભગ તમામ મુખ્ય માર્ગ પર વારંવાર પશુઓનો જમાવડો થઇ જાય છે. જ્યારે શહેરની શાકમાર્કેટ તથા મુખ્ય બજારોમા રખડતા ઢોર ઝઘડતા લોકો અડફેટે આવી જવાથી ઇજાગ્રસ્ત બની જાય છે. સુરેન્દ્રનગર શહેર મનપા બન્યા બાદ તંત્રએ જેવી રીતે સ્વચ્છતા, ટ્રાફિક અને દબાણો પર તવાઇ હાથ ધરી છે તેવી જ રીતે રખડતા ઢોર પકડવા પર ઝુંબેશ શરૂ કરવાની લોકમાગ ઊઠી છે. શહેરના 80 ફૂટ રોડ, જંક્શન રોડ, હેન્ડલૂમથી ટાવર રોડ, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિત અનેક વિસ્તારોના મુખ્ય માર્ગો પર આ પ્રકારની સમસ્યા હોવાથી મનપા બન્યા બાદ જો કડક કાર્યવાહી થાય તો રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ મળવાની શહેરીજનોમાં આશા જાગી છે.