નગરસેવકોની બેજવાબદારીની ચાડી ખાતી તસવીરો…
શહેરનાં વોર્ડ નં. 3નાં રેલનગરનાં રસ્તાઓનાં ખસ્તા હાલ થઈ ગયા છે. આ અંગે કોર્પોરેશનમાં અવાર-નવાર રજૂઆતો કરવામાં આવ્યા બાદ માત્ર માટી નાંખી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પડેલાં વરસાદમાં ફરી પરિસ્થિતિ જૈસે થે જેવી થઈ ગઈ છે. હાલ તસવીરોમાં દેખાય છે તે રીતે અમૃત રેસિડેન્સી-3નાં આ ખખડધજ અને કાચા રસ્તાઓ પર પાણી ભરાયા છે જેથી અહીં રહેતાં રહીશો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યાં છે સાથો-સાથ ઘણાં દિવસોથી અહીં પાણી ભરાયેલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે જેથી આ વિસ્તારમાં રહેતાં અંદાજીત 3000 જેટલાં રહીશોમાં રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત સેવાઈ રહી છે.
- Advertisement -
માત્ર મત માંગવા માટે જ આ વિસ્તારમાં દર્શન દેતાં સત્તાપક્ષનાં કોર્પોરેટરોને આ અંગે અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા ચૂંટાયેલા નગરસેવકો અલ્પાબેન દવે, બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને નરેન્દ્રસિંહ જાડેજા પ્રજાની સેવા કરવામાં સદંતર ઉણા ઉતર્યા છે અને તેમનાં દ્વારા કોઈ જ નક્કર પગલાં ન લેવાતાં આ વિસ્તારનાં રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આ અંગે તાત્કાલિક અસરથી યોગ્ય કરી આ રસ્તાઓ પર માટીનાં બદલે કપચી અથવા તો પાકો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે.