સોલર પ્લાન્ટની આડમાં ગેરકાયદે રેતી વૉશ પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા સહિત રેતી, પથ્થર, માટી સહિતનું ખનિજ લૂંટાય રહ્યું છે જેનો સામે ખનિજ વિભાગ માત્ર કહેવા પૂરતી જ કામગીરી કરતું હોય તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે તેવામાં મૂળી તાલુકાના લીયા ગામે આશરે 1200 વીઘા જેટલી જમીનમાં નાખવામાં આવેલા સોલર પ્લાન્ટની આડમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રેતીનો વોશ પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે. સોલાર પ્લાન્ટ ની જમીન ચારેય તરફથી દીવાલો થકી બંધ કરી દેવામાં આવી છે અને એક તરફ મુખ્ય ગેટ બનાવી સોલર પ્લાન્ટની વચોવચ આ ગેરકાયદેસર રેતી વોષ્નો પ્લાન્ટ શરૂ કરાયો છે. જોકે અગાઉ સુરેન્દ્રનગર ખનિજ વિભાગની ટીમ દ્વારા અહી દરોડો કરવા માટે ગયા બાદ ટીમને પ્રવેશવા દીધા નહિ હોવાની પણ ચર્ચા છે ત્યારે ગેરકાયદેસર રેતી વોષના પ્લાન્ટ ચલાવતા આ માફિયાઓની દાદાગીરી પણ એટલી જ હદે વણસી ચૂકી છે કે ખનિજ ટીમને પણ અંદર પ્રવેશ કરવા દીધા નથી તેવામાં ખનિજ માફીયાઓ દ્વારા યુક્તિ અજમાવી સોલાર પ્લાન્ટ વચ્ચે શરૂ કરેલ રેતીના ગેરકાયદેસર વોશ પ્લાન્ટ સામે ખનિજ વિભાગ હવે કેવા પ્રકારની અને ક્યારે કાર્યવાહી કરે છે ? તે જોવું રહ્યું.
- Advertisement -