કાળઝાળ ગરમીમાં માણસો હવે માસ્કથી કંટાળ્યા
ફરજીયાત માસ્કનો નિયમ – દંડ દૂર કરવો જરૂરી
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ માસ્ક મુક્તિ અનિવાર્ય
કોરોનામાંથી મુક્તિ મળી, માસ્કમાંથી ક્યારે મળશે?
દેશમાં ધીમેધીમે હવે કોરોના કેસમાં મોટો ધટાડો નોંધાઈ રહ્યો છે. દેશની આર્થિક રાજધાની દિલ્હી અને મોટા રાજ્યો એવા મહારાષ્ટ્ર, તેલાગાણા અને પશ્ચિમ બંગાળમાંથી કોરોનાની તમામ પાબંદીઓ હટાવી દેવામાં આવી છે. કોરોનાથી બચવા માટે માસ્કમાંથી છૂટકારો દિલ્હી, મહારાષ્ટ્ર અને તેલગાણા સરકારે આપ્યો છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં પણ હવે કોરોના કેસમાં સૌથી મોટો ધટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતને માસ્કમાંથી ક્યારે છૂટકારો મળશે?
નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટી ગયા છે અને ફરી એકવાર જનજીવન સામાન્ય બની ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સિવાયના કોરોનાના નિયમો હટાવી દીધા છે ત્યારે અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યની સરકારે પણ માસ્કમાંથી મુક્તિ આપી દેવી જોઈએ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં માણસો માસ્કથી કંટાળી ગઈ છે. મોટાભાગના માણસો પણ માસ્ક બરાબર પહેરતા નથી તેમજ તેનો યોગ્ય નિકાલ પણ કરતા નથી ત્યારે માસ્ક એ કોરોનાથી બચાવનારા નહીં પરંતુ કંટાળો અપવાનારા બની ગયા છે. એક સમયે કોરોનાથી રક્ષણ આપનારા માસ્ક હવે બિનજરૂરી બની ચૂક્યા છે.
- Advertisement -
ગુજરાતમાં આજે પણ જાહેરમાં માસ્ક ના પહેરવા પર પાંચસોથી એક હજાર રુપિયાનો દંડ ભરવો પડે છે. કારમાં કોઈ વ્યક્તિ એકલો જતો હોય તો પણ તેના માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી માસ્કના નિયમમાં કે દંડની રકમમાં કોઈ રાહત અપાઈ નથી જે તદ્દન અયોગ્ય છે. હાલ ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ત્રીજી લહેરમાં પણ કોરોનાએ કોઈ ભારે તબાહી મચાવી નથી. ગુજરાતનાં મોટાભાગના વિસ્તારો કોરોનામુક્ત થઈ ચૂક્યા છે એ સમયે ગુજરાત સરકારે રાજ્યમાં માસ્કમુક્તિ કરી જ દેવી જોઈએ.