નાયરની ’કરુણતા’મ્ : ક્યારે કીધું કે હક આપો, અમને એકાદી તક આપો!
ટેલેન્ટેડ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તો એ મુદ્દે બોલવા માટે એ મરી જાય ત્યાં સુધી રાહ કેમ જોઈએ છીએ? ભારતમાં મહાન થવા માટે મરવું ફરજિયાત છે?
– તુષાર દવે
ટેસ્ટ ક્રિકેટમાં એના નામે જે રેકોર્ડ બોલે છે એ વિરાટ કોહલી, રોહિત શર્મા કે ચેતેશ્ર્વર પુજારા તો ઠીક, પણ રાહુલ દ્રવિડ અને વી. વી. એસ. લક્ષ્મણથી પણ મહાન છે. એણે પોતાના કેરિયરની ત્રીજી જ ટેસ્ટમાં જે વ્યક્તિગત જુમલો ખડક્યો હતો એવડું કારનામુ પોતાની આખી કેરિયરમાં સચિન તેન્ડુલકર કે સુનિલ ગાવસ્કર પણ કરી શક્યા નથી.
એ ઈંગ્લેન્ડ સામેની પોતાની કેરિયરની ત્રીજી જ ટેસ્ટમાં 303 રન કરીને નોટઆઉટ રહ્યો, પણ સિલેક્ટર્સે ટીમમાંથી ‘આઉટ’ કરી દીધો!
- Advertisement -
ટેસ્ટ ક્રિકેટમાં એના નામે જે રેકોર્ડ બોલે છે એ વિરાટ કોહલી, રોહિત શર્મા કે ચેતેશ્ર્વર પુજારા તો ઠીક, પણ રાહુલ દ્રવિડ અને વી. વી. એસ. લક્ષ્મણથી પણ મહાન છે. એણે પોતાના કેરિયરની ત્રીજી જ ટેસ્ટમાં જે વ્યક્તિગત જુમલો ખડક્યો હતો એવડું કારનામુ પોતાની આખી કેરિયરમાં સચિન તેન્ડુલકર કે સુનિલ ગાવસ્કર પણ કરી શક્યા નથી.
એનું નામ કરુન. કરુન કલાધરન નાયર
2016માં ભારતમાં ઈંગ્લેન્ડ સાથેની પાંચ ટેસ્ટની સિરિઝ રમાઈ હતી. ત્રીજી ટેસ્ટમાં તેને પહેલી તક મળી. ચેન્નાઈમાં રમાયેલી પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ચોવીસેક વર્ષના યુવાન કરુણ નાયરે એ કરી બતાવ્યું જે ભારતના ટેસ્ટ ક્રિકેટના 90થી વધુ વર્ષના ઈતિહાસમાં સહેવાગ સિવાય બીજુ કોઈ નહોતુ કરી શક્યું. એણે ત્રેવડી સદી ફટકારી. એમાં પણ ડેબ્યુ સેન્ચ્યુરીને ટ્રીપલ સેન્ચ્યુરીમાં ક્ધવર્ટ કરનારો તો એ નવ દાયકામાં પહેલો ભારતીય ભાયડો પાક્યો હતો. આજે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસને ઓલમોસ્ટ 98 વર્ષ થયાં. આ 98 વર્ષોમાં અણનમ ત્રેવડી સદી ફટકારનારો તો નાયર એક માત્ર છે. ડેબ્યુ ટેસ્ટ હન્ડ્રેડમાં સૌથી મોટો જુમલો ખડકવામાં એ વિશ્વના ઈતિહાસના હજારો ખેલાડીઓમાં ગેરી સોબર્સ અને બોબી સિમ્પસન બાદ ત્રીજા નંબરે છે. ગેરી સોબર્સે 1958માં પાકિસ્તાન સામે ડેબ્યુ હન્ડ્રેડમાં નોટઆઉટ 365 રન જ્યારે બોબી સિમ્પસને 1964માં ઈંગ્લેન્ડ સામે 311 રનની ઈનિંગ રમી હતી. એટલે એ રીતે નાયરે અનુક્રમે 58 અને 52 વર્ષ એટલે કે અડધી સદી જૂના રેકોડર્સને ટક્કર આપી હતી. અથવા તો એમ કહો કે વિશ્વના ઈતિહાસમાં અડધી સદી અને બે વર્ષ બાદ એવો ખેલાડી આવ્યો કે જેણે ડેબ્યૂ સેન્ચ્યુરીને ટ્રીપલ સેન્ચ્યૂરીમાં ક્ધવર્ટ કરી. કારણ કે ક્રિકેટના ઈતિહાસમાં માત્ર આ ત્રણ ક્રિકેટર્સે જ ડેબ્યૂ સેન્ચ્યૂરીને ટ્રીપલ સેન્ચ્યૂરીમાં ક્ધવર્ટ કરી છે. એમાં પણ નાયર સોબર્સ અને સિમ્પસન કરતાં એ રીતે આગળ છે કે તેણે આ પરાક્રમ માત્ર ત્રીજી ટેસ્ટમાં કર્યું જ્યારે પેલા બન્નેએ આ કરવા માટે ઘણી વધારે ટેસ્ટ રમી હતી. આ સાથે જ નાયર પાંચમા નંબરે આવીને ધોની, લક્ષ્મણ અને અઝહરને પાછળ રાખીને સૌથી મોટો જુમલો ખડકનારો બેટ્સમેન બની ગયો. એ મેચમાં નાયરની ત્રેવડીની મદદથી ભારતે પણ પોતાના ટેસ્ટ ઈતિહાસનો સૌથો મોટો સ્કોર 759/7 નોંધાવ્યો હતો. ભારત 75 રનથી મેચ જીત્યું હતું અને નાયર મેન ઓફ ધ મેચ થયો હતો. તેના આ પરાક્રમની નોંધ લેતી ટ્વિટ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.
પછી શું થયું? એની અડધી સદીની કોઈ ભારતીય પ્લેયર દ્વારા રમાયેલી સૌથી યાદગાર પૈકીની એક ઈનિંગ બાદ એને માત્ર બે ટેસ્ટ રમાડીને પડતો મુકી દેવામાં આવ્યો. એવો પડતો મુકવામાં આવ્યો કે ક્યારેય કરતાં ક્યારેય એને તક જ ન આપવામાં આવી. ટીમ કોમ્બિનેશન કે એવા કોઈ બહાના હેઠળ એને બહાર કરી દેવામાં આવ્યો અને ભુલવાડી દેવામાં આવ્યો. એ પછીની એક નવી ટેસ્ટ સિરિઝની ટીમની જાહેરાત વખતે સ્ક્વોડમાં એનું નામ ન જોઈને અનેક લોકોને આશ્વર્ય થયું હતું. હરભજન સિંઘે પણ ટ્વિટ કરી હતી કે આ ટીમમાં પેલો ત્રેવડી સદી મારનારો કરુન નાયર કેમ નથી? આજે પણ ક્રિકટના રસિયાઓએ હજારો વખત ક્વોરામાં એ પ્રશ્નનો જવાબ શોધે છે કે ભારતીય ટીમમાં કરુન નાયર કેમ નથી? રોહિત શર્મા આજે ભારતીય ટીમનો હીરો બન્યો એ પહેલા એને જેટલી તકો આપવામાં આવી એ સર્વવિદિત છે. એ જ રીતે શિખર ધવનને પણ તક આપતા રહેવામાં આપણે કદી પાછું વાળીને જોયું નથી.
- Advertisement -
તો પછી જોડો ક્યાં ડંખે છે? નાયરને કેમ તક નથી અપાતી? આપણે એમ નથી કહેતા કે એણે એક ત્રેવડી ફટકારી દીધી એટલે એ મહાન બેટ્સમેન સાબિત થયો. એને રમાડે જ રાખવો. પણ ઈન્ટરનેશનલમાં ત્રેવડી મારવી એ નાની માના ખેલ નથી અને એ એણે કરી બતાવ્યું હોવાથી એને એટલિસ્ટ એટલી તક તો મળવી જ જોઈએ ને જેટલી બીજાઓને મળે છે?
રૈના-યુવરાજના ગયા બાદ ભારતમાં નંબર 4ના સ્ટેબલ ખેલાડી માટે વર્ષોથી માથાકૂટ ચાલી રહી છે. કે. એલ. રાહુલ અને શ્રેયસ ઐયરે થોડા ચમકારા બતાવ્યા પછી થોડી આશા જાગી છે, પણ એ આખા સમયગાળામાં આપણે અડધોડઝન ખેલાડીઓને તક આપી એમાં નાયરનું નામ કેમ ક્યાંય ન દેખાયું?
નાયર સાથે વાંધો શું છે એ એક્ઝેટ નથી જાણી શકાતું, પણ એને અન્યાય માટે પેલા રાયુડુના પ્રસિદ્ધ 3ઉ વિવાદ ફેમ સિલેક્ટર એમએસકે પ્રસાદનું નામ આવે છે. 3ઉ વિવાદ તો યાદ છે ને? બનેલું એવું કે ભારતની વર્લ્ડકપ ટીમમાં લાયક ખેલાડી અંબાતી રાયુડુના બદલે વિજય શંકરને સ્થાન મળ્યું. જે સદંતર ફેલ રહ્યો છે. રાયુડુને બદલે શંકરને લેવાનું કારણ જસ્ટિફાઈ કરતાં પ્રસાદે કહેલું કે, ’શંકર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં સારો છે, એ રીતે તે 3ઉ ખેલાડી હોવાથી ટીમ કોમ્બિનેશનમાં ઉપયોગી છે.’ જેનો સણસણતો જવાબ આપતા રાયુડુએ ટ્વિટર પર લખ્યું કે, ’વલ્ર્ડકપ જોવા માટે મેં ખાસ 3ઉ ચશ્માનો ઓર્ડર આપ્યો છે.’ એના ટ્વિટ બાદ ખુબ વિવાદ થયો અને સિલેક્ટર્સ સામે પડીને આમ પણ કેરિયર પતી ગઈ હોવાનું જાણતા રાયુડુને નિવૃત્તિ જાહેર કરી દીધી. નાયર સાથે પણ પ્રસાદ સાથે કમ્યુનિકેશનના કંઈક પ્રોબ્લેમ થયા હોવાનું કહેવાય છે. ધોની પર અનેક સિનિયર ક્રિકેટર્સના પત્તા કાપવાનો આરોપ છે, પણ લાગે છે કે કેપ્ટન પદેથી હટ્યા બાદ કોહલી પણ અમુક પ્રકારના આક્ષેપોથી મુક્ત નહીં જ હોય. કારણ કે એક અંગ્રેજી પોર્ટલે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે નાયરને તક એટલા માટે ન મળી કારણ કે કોહલી હનુમા વિહારીને પ્રમોટ કરતો હતો.
ખેર, આજે સુશાંતના મૃત્યુ બાદ બોલિવૂડમાં ભાઈ-ભત્રીજાવાદની ચર્ચાઓ ચરમસીમા પર છે. એને થયેલા અન્યાય વિશે લોકો ગાંગરી ગાંગરીને બોલી રહ્યાં છે. પણ હવે સુશાંત માટે તો એ કામનું જ નહીં ને? કારણ કે જનારો તો જીવથી ગયો… એ જ રીતે ધોનીની નિવૃત્તિ વેળાએ પણ ધોનીએ સહેવાગ-ગંભીર સહિતના ખેલાડીઓને અન્યાય કર્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે, પણ હવે શું કામનું? ગંભીરનું ઠીક સહેવાગને તો કેરિયરના છેલ્લા તબક્કે આંખની તકલીફ હતી એ જગજાહેર છે. ધોનીપીડિત ગણાતા જાણીતા ખેલાડીઓ જુઓ તો ઘણા જાણીતા છે અને ગંભીર જેવા તો સાંસદ પણ બની ગયા છે. બધાંએ લાંબી કેરિયર રમી છે. જ્યારે નાયરનું એવું નથી. નાયરની તો કેરિયર જ હજુ શરૂ નથી. માટે આ બધી ચર્ચાઓ વચ્ચે એનું નામ લઈને ચર્ચા કરવી પડે અને ભાવેશ ભટ્ટનો શેર ટાંકવો પડે કે –
ક્યારે કીધું કે હક આપો, અમને એકાદી તક આપો