પ્રવર્તમાન સમયમાં પ્રકાશનાં પર્વ દિવાળીનાં વિવિધ તહેવારો ઉજવવાની પરંપરાગત પદ્ધતિ વિસરાતી જાય છે, નામશેષ થતી જાય છે.
– ડો. મિનલ ગણાત્રા
આમ તો બધા તહેવારો ખાસ હોય છે પરંતુ દિવાળી એટલે તહેવારોની મહારાણી. બધા ખાસ તહેવારોમાં પણ ખાસ છે – પ્રકાશનું પર્વ દિવાળી. સાથે આવે છે – નવા ઉત્સાહ અને ઉમંગનું નૂતનવર્ષ. આ તહેવાર કોને નહીં પ્રિય હોય? કોઈ નહીં હોય એવું જે આ તહેવાર ન હોય ઉજવતું. પરંતુ સમય અને સંજોગો અનુસાર જેમ બધા જ તહેવારોની ઉજવણીમાં પરિવર્તન આવ્યું છે તેમ દિવાળીનાં તહેવારની ઉજવણીમાં પણ પરિવર્તન આવ્યું છે. ધીમેધીમે દિવાળીનાં મહોત્સવને ઉજવવાની પરંપરાગત પદ્ધતિ વિસરાય ગઈ છે અને આ માત્ર એક રજાઓમાં મજા કરવાનો ઔપચારિક તહેવાર કે વહેવાર બનીને રહી ગયો છે. એક રીતે જોવા જઈએ તો ક્યાંકને ક્યાંક આપણી આગળની પેઢીઓ પ્રકાશનાં પર્વને ઉજવવાની પરંપરાગત પદ્ધતિનો શ્રેષ્ઠ વારસો પેઢી દર પેઢી જાળવી રાખવામાં ઉણી ઉતરી છે. આપણે આપણા બાળપણની દિવાળી ઉજવવાની પદ્ધતિની સરખામણી આજની દિવાળી ઉજવવાની પદ્ધતિ સાથે કરીએ તો તે બાળપણની દિવાળીની ઉજવણી આજની આપણી દિવાળીની ઉજવણીથી એકદમ અલગ હશે.
- Advertisement -
વર્તમાન સમયમાં દિવાળી ઉજવવાની રીતોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. દિવાળીમાં આવતા વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, બેસતું વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ, તુલસી વિવાહ દેવ દિવાળી જેવા તહેવારો ઉજવવાની પરંપરાગત પદ્ધતિ વિસરાતી જાય છે ત્યારે આવો પ્રકાશનાં પર્વને ઉજવવાની પરંપરાગત પદ્ધતિને જીવંત રાખવા માતા-પિતાએ શું કરવું જોઈએ એ વિશે જાણીએ અને આ દિવાળીની ઉજવણી પરંપરાગત પદ્ધતિથી કરી આપણી નવી પેઢીને પણ એ શીખવાડીએ. આપણે કહેતા કે સંભાળતા હોઈએ છીએ કે પહેલાનાં સમયમાં દિવાળી ઉજવવાની તૈયારીઓ એક માસ અગાઉ શરૂ થઈ જતી. દિવાળીનાં દિવસોમાં ઘરનાં ફળિયા કે શેરી-ચોકમાં રંગોળીઓ કરતા, સવારે વહેલા ઉઠીને મંદિરે દર્શન કરવા જતા, સાંજનાં સમયે ઘરનાં દરવાજે દિવડાઓ પ્રગટાવતા અને તોરણ બાંધતા, જાતભાતનાં નમકીન-મીઠાઈઓ બનાવતા વગેરે.. વગેરે.. પરંતુ આમાનું ઘણું બધું આજે નથી રહ્યું. હા હવે પહેલાની જેમ દિવાળી ઉજવવામાં આવતી નથી. દિવાળીનાં તહેવારો તો આજે એ જ છે પરંતુ તેને ઉજવવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે, શા કારણે એ કદી કોઈએ વિચાર્યું હશે કે કેમ પણ હવે સમય આવી ગયો છે જ્યારે દરેક માતા-પિતાએ પોતાના સંતાનોને પ્રકાશનાં પર્વની ઉજવણી પરંપરાગત પદ્ધતિ અંગે અવગત કરાવવા પડશે. માતા-પિતાએ દિવાળી ઉજવવાની પરંપરાગત પદ્ધતિનો વરસો પોતાના બાળકોને આપવા માટે આટલું અચૂક કરવું..
સમાજમાં સંબંધો નામશેષ થઈ રહ્યાં છે એવા સમયે વડીલોએ ખાસ પોતાનું વડપણ બતાવવું જરૂરી બને છે, નકારાત્મક વિચારો નવી પેઢીને શીખવવાને બદલે તમામને પોતાના આંગણે હસી-ખુશી, માન-સન્માન, આદરભાવ સાથે મળતાં, આગતાસ્વાગતા શીખવવાનો દિવાળીથી બીજો કોઈ વિશેષ તહેવાર નથી જેથી નવી પેઢીને સમાજિક સમરસતાતા શીખવી શકાય.
પરિવાર સાથે પર્વની ઉજવણી : આજનાં સમયમાં વિભક્ત કુટુંબની વિભાવના વધી છે. દિવાળીનો તહેવાર ઉજવવા માટે પરિવારનાં દરેક સભ્યોએ ભેગા થવું જોઈએ. આજે એક નવી ફેશન સમાજમાં ચાલી રહી છે કે રજા મળી નથી ને બહારગામ ફરવા જતું રહેવું. પરંતુ આ વિચાર સદંતર ખોટો છે. પ્રકાશ પર્વને દિવસે આપણા ઘરમાં અંધારા હોય અને આપણે કોઈએ પ્રગટાવેલા દિવડાઓ જોવા બહાર જઈએ આ તો કેવું કહેવાય? તહેવારોનાં દિવસોમાં ઘરે તાળું હોય અને આપણે આપણા ઘરને મૂકી, કુટુંબ સભ્યો છોડી બધાથી દૂર-દૂર હોય એ તો કેવું? આ તહેવારમાં તો એકબીજાની નજીક રહેવા અને આવવાનો અવસર છે. દિવાળીનો તહેવાર તો ઘરે જ ઘરનાં સભ્યો સાથે ઉજવવાનો હોય. ઘર-પરિવારનાં બાળકો, માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, અને બીજાબધા વડીલો વગેરે.. બની શકે એટલા વધુ સભ્યોએ સાથે મળીને દિવાળીનાં તહેવારો ઉજવવાનો આગ્રહ રાખવો. સુખ, ખુશી, આનંદ, હર્ષ જ્યારે સગાવહાલાં સ્નેહીજનો સાથે હોય ત્યારે અગણિત માત્રામાં વધી જાય છે. જો તમે દિવાળીનાં તહેવારો સગા-સ્નેહી, દોસ્તો સાથે ઉજવશો તો બાળકોમાં પારિવારિક અને કૌટુંબિક ભાવના વિકસશે. તેને પરિવાર અને પારિવારિક વાતાવરણમાં પ્રેમ અને હુંફ મળી રહેશે.
દિવડા પ્રગટાવી પ્રકાશ પાથરીએ : આ પ્રકાશ પર્વમાં ઘરમાં પ્રકાશ પાથરવા માટીનાં કોડિયા ખરીદીને તેમાં દિવા પ્રગટાવવા. ખાસ આ પ્રક્રિયામાં બાળકોને સાથે રાખવા. દિવા એ દિવાળીનાં તહેવારનું સૌથી મહત્વનું પરિબળ છે. સાથે મળીને દિપ પ્રાગટય એ નવા સમયને આવકારવાનું પ્રથમ આહવાન છે. આસો માસની અગિયારસથી જ ઘરમાં બાળકોનાં હાથે દિપ પ્રગટાવી, ઘરને પ્રકાશથી ભરી દ્યો જેથી તહેવારોની ઉજવણીની ખુશી દિપ સાથે આપોઆપ અંતરમાંથી પ્રગટ થશે. બજારમાં મળતી ઈલેક્ટ્રિક લાઈટની જગ્યાએ માટીનાં કોડિયામાં દિવો કરવા પાછળ ઘણું બધું વિજ્ઞાન-અધ્યાત્મ રહેલું છે. દિવડા એ પ્રતિક છે અંધકારને દૂર કરી ઉજાસને આવકારવાનું. દિવાળીનાં દિવસોમાં દિવડા એ જ કહે છે કે, પ્રકાશને પાથરો. અંધકારને દૂર કરો. બાળકો દિપ પ્રાગટ્યનું મહત્વ સમજશે તો તેમનું જીવન પ્રજ્વલિત થઈ ઉઠશે.
- Advertisement -
તહેવારોની ખરીદી અને ચીજવસ્તુઓનું મહત્વ : તહેવારને અનુરૂપ મીઠાઈ, ફરસાણ, ભાવતી વાનગીઓ ઘરમાં જ બનાવવાનો આગ્રહ રાખો. અને જો એ શક્ય ન હોય તો જ બહારથી ખરીદો. દિવાળીનાં તહેવારોમાં ખરીદી કરવા સહપરિવાર જાઓ. નવા કપડાં, રંગોળી કરવાના રંગો, વધુ અવાજ ન કરે તેવા ફટાકડા વગેરે વસ્તુઓની ખરીદી કરવામાં બાળકોને અવશ્ય સાથે રાખો. ખરીદી સમયે તમામ લોકોની પસંદગીને મહત્વ આપો. આ સમયે બાળકોને આર્થિક પરિસ્થિતિ અનુસાર સારી બાબતોની કેળવણી પણ આપી શકાય. તહેવારો ઉજવવા અલગથી પૈસા બચાવવા, તહેવારોનાં દિવસોમાં જરૂરિયાત વગરની વસ્તુ ખરીદવાનું ટાળવું, આવશ્યકતા અને આર્થિક પાસાને અનુરૂપ રહીને ખરીદી કરવાની અને સંતાનોને પણ એ જ શીખવવવું. જરૂરિયાતમંદ માણસને નવી વસ્તુઓ ખરીદી ભેટ આપતા શીખવાડશો તો દિવાળીનો તહેવાર ખરા અર્થમાં સાર્થક થઈ જશે.
ઘર-મનનું સુશોભન : સામાન્ય દિવસો કરતાં કંઈક વધુ ખાસ હોય છે દિવાળીનાં વિવિધ તહેવારોનાં દિવસો. આ દિવસોમાં ઘરની સાફસફાઈ કરી તેને શણગારવાની પરંપરા છે. માણસ પોતાના માટે તો ખરીદી કરે જ છે પરંતુ પોતાની સાથે પોતાના ઘરને પણ સજાવવા અવનવી વસ્તુઓ ખરીદે છે. ઘરને વિશેષ સુશોભિત કરવાથી ઘરની આંતરિક ઉર્જા વધે છે. આ ઉર્જા વ્યક્તિને, પરિવારને હકારાત્મકતાથી ભરી દે છે. ઘર ગમે તેવું હોય, નાનું-મોટું, જૂનું-નવું પરંતુ તેને સાફસુથરુ, વ્યવસ્થિત રાખવું ખૂબ જરૂરી છે. આવી જ ટેવ આપણે આપણા બાળકોને શીખવવાની છે. જેનાથી બાળકો પોતાના જીવનમાં પણ પોતાની આસપાસ સ્વચ્છ, સુંદર, સુઘડ વાતાવરણ ઉભું કરવામાં સફળ થાય છે. આ ઉપરાંત, રંગોળી અને રોશની કરવા સમયે બાળકોને ખાસ સાથે રાખવા. રંગોળી ચિરોડી રંગો, ફૂલ-પત્તા કે દિવાઓથી પણ કરવામાં આવે છે. ઘર સુશોભનની કલા બાળકોને નાની ઉંમરથી જ શીખવવી જરૂરી છે. રંગોળી તથા રોશની આંગણામાં કરવામાં આવે છે જેથી એને જોઈ આનંદ, ઉત્સાહથી ઘરની અંદર પ્રવેશે. વિસરાતી જતી તોરણ અને સબરસની પ્રથા તેના ખરા અર્થમાં બાળકોને સમજાવવી. તૈયાર તોરણ કે રંગોળીની જગ્યાએ જાતે જ આસોપાલવનાં પાનમાંથી તોરણ બનાવવા અને ઘરનાં દરવાજાઓ પર તેને બાંધવા તથા રંગોળી પણ જાતે જ દોરીને તેમાં રંગો પૂરવા. જેથી બાળકોમાં ગૃહ સુશોભન, રંગ, ચિત્ર વગેરે વિષયક જ્ઞાન કેળવાઈ.
અતિથી દેવો ભવ : દિવાળી સગાવહાલા, કુટુંબીજનો, પરિવારજનોને આદર, સન્માન, સ્નેહ, કરુણાથી મળવાનો સત્કારવાનો મહોત્સવ છે. દિવાળી સાથે આવે છે નૂતનવર્ષ. બધા જ વેરઝેર ભૂલી એકબીજાને વહાલથી મળવાનો-ભળવાનો ઉત્સવ એટલે નૂતન વર્ષ. આજે નવા વર્ષનાં દિવસે નજીકનાં લોકોને ત્યાં જવા-આવવાની પરંપરા ખાસ વિસરાતી જાય છે. જાણ્યે-અજાણ્યે આપણે કોઈને કોઈ લોકો માટે પૂર્વગ્રહો બાંધીને બેસી ગયા છીએ. માટે આપણે બધા લોકોને મળવાનું પસંદ નથી કરતા અને બાળકોને પણ એમ કરતા અટકાવીએ છીએ. ગમતા માણસો ઘર આવે તો તમને પગે લાગવું કે પ્રણામ કરવા, આવકારવા અને ન ગમતા માણસો આવે તો આગતાસ્વાગતામાં કમી રાખવી. એ જ રીતે અમુક સંબંધીઓને ત્યાં જવું અમુકને ત્યાં ન જવું જેવા આપણા મનનાં પૂર્વગ્રહો આપણે જાણે-અજાણ્યે આપણા બાળકોનાં મન-મગજમાં રોપી દઈએ છીએ. આવા ગમા-અણગમાનો વિચાર આગળ જતાં સંબંધોને ભયંકર નુકસાન કરે છે. આના પરિણામે સમાજમાં સબંધો આંગળીનાં વેઢે ગણી શકાય એટલા જ બચે છે. સમાજમાં સંબંધો નામશેષ થઈ રહ્યાં છે એવા સમયે વડીલોએ ખાસ પોતાનું વડપણ બતાવવું જરૂરી બને છે. નકારાત્મક વિચારો નવી પેઢીને શીખવવાને બદલે તમામને પોતાના આંગણે હસી-ખુશી, માન-સન્માન, આદરભાવ સાથે મળતાં, આગતાસ્વાગતા શીખવવાનો દિવાળીથી બીજો કોઈ વિશેષ તહેવાર નથી. જેથી નવી પેઢીને સમાજિક સમરસતાતા શીખવી શકાય.
દિવાળીની પરંપરાગત ઉજવણીનાં ભાગરૂપે વાલીઓએ પોતાના બાળકોને આ તહેવારની ઉજવણીને વિશેષ મહત્વ આપવું, નહીં કે રજાઓમાં બાળકને વધારાના વાંચન કે શિક્ષણનો ભાર આપવો. બાળકોને ઉજવણીનાં પાઠ શાળામાં શીખવી શકાય પરંતુ ઉજવણીનો અનુભવ તો સહપરિવાર થકી જ મળે. બાળકો વાલીઓની વાણીના આદેશો કરતા તેમના વ્યવહારથી વધુ શીખતાં હોય છે, તેથી તેમની સામે દિવાળીની પરંપરાગત ઉજવણીની આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરીને અનુભવનાં પાઠ શીખવવા. બસ આટલું જ… પ્રકાશ પર્વને પરિવાર સાથે પરંપરાગત પદ્ધતિથી ઉજવણી કરવાનો અવસર ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે આટલું શીખવીએ કે દિવાળીએ માત્ર બાહ્ય રીતે ઘરમાં દિવા પ્રગટાવવાનો અવસર નથી પરંતુ અંતરમાં દિપ પ્રાગટય કરી પોતાના આત્મામાં તથા આસપાસ આત્મીયજનો વચ્ચે અને પરિવારમાં પ્રકાશ પાથરવાનો પર્વ બનાવીએ.. સર્વને શુભ દિપાવલી.. શુભ થાઓ આ સકળ વિશ્વનું એ જ શુભાષિત..