ડો. કૌશિક ચૌધરી
સહજાનંદ સ્વામીએ ઇસ 1824 માં શિક્ષાપત્રી લખી એમાં શ્રીમદ્ ભાગવત મુજબ ભગવાન કૃષ્ણ સર્વોપરી ભગવાન છે, અને સંપ્રદાયના મુખ્ય આરાધ્ય છે, જેની સાથે પંચદેવ ઉપાસનાનો પણ ઉપદેશ છે. ત્યાં સુધી એ વૈદિક વૈષ્ણવ પંથના એક ગુરુ છે. તેમના સ્થાપેલા મંદિરોમાં પણ ભગવાન વિષ્ણુ નારાયણ રૂપે કૃષ્ણ મુખ્ય છે. પણ બીજા વર્ષે, એટલે કે ઇસ 1825 માં તે વડતાલના લક્ષ્મી-નારાયણ મંદિરમાં લક્ષ્મી નારાયણ કે રાધા કૃષ્ણની મૂર્તિના બાજુમાં પોતાની મૂર્તિ સ્થાપે છે, અને તેને નામ આપે છે હરિકૃષ્ણ મહારાજ. આજે તેમના સંપ્રદાયના ભગવધારી લોકો કહે છે કે એ વખતે તેમણે કહ્યું કે ’હવે હરિ ભક્તો લક્ષ્મી નારાયણના દર્શન કરવા અહીં આવશે, અને આપણા સંતો તેમને અમારામાં સર્વોપરી ઉપાસનાની નિષ્ઠા બાંધશે.’ એટલે કે લક્ષ્મી નારાયણ અને એ બધાના સર્વોપરી ભગવાન એ હરિકૃષ્ણ મહારાજ રૂપે સહજાનંદ સ્વામી છે એમ સમજાવશે. અને અહીંથી આગળ સહજાનંદ સ્વામી પાંચ વર્ષ જીવ્યા, તે દરમિયાન તેમણે કહેલા વચનામૃતમાં એજ ભગવાન કૃષ્ણને સર્વોપરી પુરુષોત્તમ કહીને ભાગવત પુરાણમાં કહેલી વાતો તો છે, પણ સાથે સાથે બહુ ઓછી માત્રામાં ક્યાંક એવી વાતો પણ છે કે તે (સહજાનંદ) પોતે પણ પુરુષોતમના લેટેસ્ટ અવતાર છે. તે ક્યાંક એવું પણ સમજાવે છે કે પુરુષોત્તમ મૂળ પરમેશ્વર છે, જેના એક અવતાર કૃષ્ણ છે, અને નવા અવતાર તે પોતે છે. તો ક્યાંક એ પોતે જ એ પુરુષોત્તમ છે એવો ઈશારો પણ કરી દે છે, એટલે તે પોતે બધા અવતારોના અવતારી બની જાય છે. વચનામૃતના બહુ મોટા થોથામાં આ બધી વાતો માંડ એક બે પાના ભરાય એવી છે અને એ પણ છૂટી છવાઇ. એક સાથે ન મળે એવી. હવે, સંપ્રદાયના સ્વામીઓ સાથે મળીને અંગ્રેજ ઇતિહાસકારોએ લખેલા ઇતિહાસ મુજબ પોતાને પરમેશ્વર કહેતી એ છૂટી છવાયેલી જૂજ વાતો સહજાનંદ સ્વામી પોતાના નજીકના વર્તુળમાં અને ભક્ત મંડળમાં કરતા. જ્યારે બહાર સામાન્ય લોકો સામે કૃષ્ણને જ પુરુષોત્તમ પરમેશ્વર કહેતા. થયું છે એવું કે તેમના નિધન પછી, તેમના એ નજીકના વર્તુળે તેમણે નજીકના વર્તુળમાં કહેલી એ જૂજ વાતોને મુખ્ય બનાવીને જાત જાતના પુસ્તકો લખ્યા છે. અને એ પુસ્તકોમાં સર્વોપરી ઉપાસના મુખ્ય બનાવાઈ છે. જ્યારે સંપ્રદાયના લોકો કહે છે કે શાસ્ત્રોમાં બધું લખેલું છે ત્યારે તે એ બધા ચોપડાઓની વાત કરે છે જે અંગ્રેજ કાળમાં લખાયા. અને આજ ક્રોનોલોજીને સંપ્રદાય ફરીથી પુનરાવર્તિત કરવા માંગે છે ગુજરાત બહાર ભારતન હિંદુ સમાજમાં.
તે ગુજરાત બહાર જ્યારે વૈષ્ણવ આચાર્યોને મળે છે ત્યારે શિક્ષાપત્રી અને વચનામૃત જ બતાવે છે જેમાં ભાગવત પુરાણ મુજબ કૃષ્ણને પરમેશ્વર કહ્યા છે. ક્યાંક સાથે એમની એ સિક્રેટ વાત પણ બતાવી દે છે કે સહજાનંદ સ્વામી પોતાને પણ કૃષ્ણનો જ અંશ કે રૂપ કહેતા હતા. અહીં સુધી બધું વૈદિક છે. પણ ગુજરાતમાં એ વૈદિક સ્વરૂપથી બહાર નીકળી વચનામૃત અને અંગ્રેજ સંસર્ગથી જે સર્વોપરી વાળી વાત બહાર કાઢવામાં આવી તેને પ્રતિપાદિત કરતા તેમના ચોપડા મુખ્ય છે. એટલે ગુજરાતમાં બોલે સહજાનંદ સર્વોપરી ભગવાન છે, અને વૈદિક ઈશ્વરોને તેમના સેવક બતાવે, અને ગુજરાત બહાર જાય એટલે પેલી શિક્ષાપત્રી અને વચનામૃતવાળી વાત બતાવે. બસ આ ચાલી રહ્યું છે.
:અંગ્રેજો દ્વારા સર્વોપરી:
ઇસ 1825 માં સહજાનંદ સ્વામીએ વડતાલ મંદિરમાં પોતાની મૂર્તિ સ્થાપીને સર્વોપરી વાળી વિકૃતિનો પાયો નાખ્યો એમાં બિશપ હેબર સાથે એમની મુલાકાત કારણ દેખાય છે. સંપ્રદાયના પહેલા મંદિર તરીકે કાલુપુર મંદિર અંગ્રેજોએ જમીન અને પૈસા આપીને બનાવી આપ્યું, પચાસ હજાર લોકો પણ મંદિરના ઉદ્ઘાટન વખતે ભેગા કરી આપ્યા. એ પછી સતત બંગાળ અને બ્રિટનથી ખ્રિસ્તી પાદરીઓ અને બિશપોને ગુજરાત મોકલીને બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર જ્હોન માલ્કમે તેમને સહજાનંદ સાથે સંસર્ગમાં રાખ્યા. બ્રિટિશ અમલદાર જ્હોન એન્ડ્રુ
- Advertisement -
ડનલોપે સહજાનંદ અને તેમના સંપ્રદાય વિશે એક નિબંધ લખ્યો, જેનું નામ હતું ’હિંદુઓનો એક નવીન સંપ્રદાય’. એ નિબંધને ખ્રિસ્તી પાદરી વિલિયમ હોજે તેની ડાયરીમાં લખ્યો અને લાઇબ્રેરીઓમાં મુકાવડાવ્યો. આ બધા વર્ષો દરમિયાન સહજાનંદના શિષ્યો અને અંગ્રેજો – પાદરીઓ વચ્ચે બાઈબલ અને શ્રીમદ્ ભાગવદ જેવા ગ્રંથોની આપ લે થઈ અને તેના પર ગહન ચર્ચાઓ પણ થઈ.
ઇસ 1825 માં વડતાલ મંદિરના નિર્માણ દરમિયાન બિશપ હેબર સહજાનંદ સ્વામીને મળવા આવ્યા, અને સહજાનંદે તેમની પાસે વડતાલ મંદિરના નિર્માણ માટે આર્થિક સહાય માંગી. બિશપ અને તેમના વચ્ચે ઇશ્વરની સંકલ્પના અંગે ખ્રિસ્તી અને હિંદુ વિચારની ચર્ચા થઈ. ચર્ચાના અંતે હેબરે એમ કહીને મંદિર માટે પૈસા આપવાની ના પાડી કે સહજાનંદની ઇશ્વરની સંકલ્પના બાઈબલના વિચારની નજીક છે, પણ એ હજી પૂર્ણ પણે જિસસ જેવા એકમાત્ર ઇશ્વર જેવી એકેશ્વરવાદની સંકલ્પના નથી. એટલે હેબર તેમને મંદિર માટે પૈસા નહિ આપે, પણ બાજુમાં નિર્માણ પામી રહેલા સભાગૃહ અને હોસ્પિટલ માટે પૈસા આપશે. આમ કહીને સહજાનંદને તેમના નવીન હિંદુ પંથમાં એકમાત્ર સર્વોપરી ઇશ્વર સ્થાપવા ધકેલાયા અને એજ વર્ષે બાદમાં સહજાનંદ સ્વામીએ વડતાલ મંદિરમાં પોતાની મૂર્તિ સ્થાપી. અને એ પછી એ બધી વાતો વચનામૃતમાં વચ્ચે વચ્ચે કહેવાઈ. અને ત્યાંથી ઇસ 1830 માં સહજાનંદ સ્વામીના મૃત્યુના બે મહિના પહેલાં જ્યારે તે અતિશય બીમાર હતા અને મૃત્યુ શૈયા પર હતા, ત્યારે એ બધા અંગ્રેજ અધિકારીઓ અને બિશપોને સહજાનંદ પાછળ લગાવનાર બોમ્બે પ્રેસિડન્સીનો ગવર્નર માલ્કમ સહજાનંદને પહેલીવાર મળવા આવ્યો. ત્યાં જે પણ વાત થઈ હોય તે, પણ બે મહિના પછી સહજાનંદના મૃત્યુ પછી તેમના શિષ્યોએ ભગવાન કૃષ્ણને બાજુ પર મૂકી સહજાનંદને સ્વામિનારાયણ તરીકે એકમાત્ર સર્વોપરી ભગવાન કહેતા પુસ્તકો રચવાના શરૂ કરી દીધા. હોઈ શકે એનું નિર્માણ તે પહેલાંના વર્ષોમાં શરૂ થઈ ગયું હોય અને પાછળથી જાહેર કરાયા હોય. જેમ અત્યારે ઇઅઙજ ના ભદ્રેશ દાસનું અક્ષર પુરુષોત્તમ દર્શનનું પુસ્તક જાહેર નથી કરાતું, પણ અંદરખાને સ્વીકૃતિના થપ્પા મરાવવા ઉપયોગમાં લેવાય છે.
ગુજરાત બહારના બ્રાહ્મણ આચાર્યોની ભૂલ અને અપરાધ:
મહાકુંભ 2025 દરમિયાન વિશિષ્ટાદ્વૈતના આચાર્ય વિદ્યાસાગરજીએ ઇઅઙજના અક્ષર પુરુષોત્તમ દર્શનનું ખંડન કરતો ગ્રંથ બહાર પાડ્યો, અને તેને સનાતન ધર્મ તેમજ વૈદિક ઇશ્વરોનું અપમાન કરતું ભ્રષ્ટ સાહિત્ય કહ્યું. પણ એજ ગ્રંથમાં ઠેર ઠેર લખેલી બ્રાહ્મણ જ દીક્ષા આપી શકે અને કર્મકાંડ કરી શકે વાળી સ્મૃતિ ગ્રંથોની વાતોથી એજ દેખાયું કે એ ગ્રંથ ઇઅઙજ માં બધું ક્રિયાકાંડ પટેલોમાંથી સ્વામીઓ બનેલા લોકો કરાવે છે એના વિરોધમાં લખાયું છે. કારણકે એજ ગ્રંથમાં તેમણે વડતાલ ગાદીને શિક્ષાપત્રી અને વચનામૃતના આધારે સ્મૃતિઓના કર્મકાંડ આધારિત નિયમો પાળતો હોવાનું કહીને વૈદિક ધર્મના ભાગ તરીકે સ્વીકૃતિ આપી. સાથે ભગવાન શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્યની હરોળમાં એજ અર્થે ’ભગવાન સ્વામિનારાયણ’ ઉચ્ચારણને પણ સ્વીકૃતિ આપી.
હવે, આ વાતને હાથો બનાવી ઇઅઙજ અને તેના ભદ્રેશદાસ પહોંચ્યા સંઘ અને બીજેપીના લોકો પાસે, અને આને જન્મથી જાતિ વાળી બ્રાહ્મણવાદી વાત બતાવી સંઘના કર્મથી વર્ણ વાળી વાતના નેરેટિવને આગળ ધપાવવા પોતાને મદદ કરવા કહ્યું. બીજા જ અઠવાડિયે સંઘ સાથે જોડાયેલા આચાર્યો ઇઅઙજ અને ભદ્રેશદાસના એ વિકૃત દર્શનને પણ સ્વીકૃતિ આપતા ફોટામાં દેખાયા. બસ, તો આ રાજકારણ ચાલ્યું છે મહાકુંભમાં. બંને બાજુના મૂર્ખાઓને એ તથ્યનું ભાન નથી કે એ ગમે તે દર્શન હોય કે શિક્ષાપત્રી કે વચનામૃત હોય, તેમને સ્વીકૃતિ ગુજરાતમાં જે ચાલે છે તે સર્વોપરી વાળી વાતની જોઈએ છે. તમામ વૈદિક ઈશ્વરોને લુપ્ત કરી દઈ જિસસ જેવા એકમાત્ર સર્વોપરી ઇશ્વરમાં હિંદુ ધર્મને ફેરવી દેવો, જેના મુખ્ય ગ્રંથો પેલા અંગ્રેજો અને પાદરીઓએ લખાવેલા સર્વોપરી ઉપાસનાવાળા ગ્રંથો હોય, અને સમાજની સત્તા એ પાદરીઓ જેવા સંપ્રદાયના સ્વામીઓના હાથમાં હોય.
તો, આપણા એ સ્વીકૃતિ આપનાર બ્રાહ્મણ આચાર્યોને કેટલાક પ્રશ્ન છે.
1 કાલે ચર્ચમાં જીસસની પૂજા કરવા પણ ખાલી બ્રાહ્મણ જ એ પૂજા કરી શકે એવો નિયમ કરવામાં આવે, તો શું તમે એ જિસસ અને ચર્ચને પણ સ્વીકારી લેશો?
2 જો ભારતની મસ્જિદમાં અઝાન બોલવાનો કે ભારતમાં મૌલાના બનવાનો અધિકાર જન્મથી બ્રાહ્મણને જ રહેશે એવું સાઉદી આરબમાંથી સ્વીકારી લેવામાં આવે, તો શું તમે અલ્લાહ અને મસ્જિદને પણ સ્વીકારી લેશો?
બસ, પોતાની જાતને આ બે પ્રશ્નોના ઉત્તર આપો એટલે સમજાઈ જશે કે તમે આ સંપ્રદાયવાળી વાતમાં શું કરી રહ્યા છો. અને આ જ પ્રશ્નો સંઘ અને સંઘ સાથે જોડાયેલા એ સંતોને પણ છે. કોઈ વેદાંતી સંત નથી રહેવાનો, ના કોઈ વેદાંત રહેવાનું છે જો આ સંપ્રદાયને ખુલ્લો દોર આપ્યો. જે અક્ષર પુરુષોત્તમ દર્શનને માન્યતા આપવા ચાલ્યા છો તેમાં પુરુષોત્તમ એટલે સાકાર સહજાનંદ સ્વામી છે, અને અક્ષર એટલે ઇઅઙજ ની સંસ્થાનો પ્રમુખ છે. કેથોલિક ચર્ચનું મોડલ. એ દર્શન કહેવા માંગે છે કે અદ્વૈત જેવું કંઈ છે નહીં. સંસારને બનાવવાવાળા જિસસ જેવા સ્વામિનારાયણ અક્ષરધામમાં સાકાર રૂપે બેઠા છે. તેમને માનવાથી અને તેમને વૈદિક ઈશ્વરોથી સર્વોપરી મૂળ પરમેશ્વર માનવા માત્રથી મનુષ્ય મર્યા પછી અક્ષરધામ રૂપી હેવનમાં સ્થાયી થઈ જશે.
ભગવાન કૃષ્ણએ ગીતા પણ એટલે કહી, કારણકે તે સમયે પુરુષોત્તમ સ્વામિનારાયણ તેમનામાં પ્રવેશ કરી ગયા હતા કે તેમનામાં જાગૃત થયા હતા. તેમની કૃપાથી એ બોલાયું. પોતાને હિંદુ ધર્મના અને હિન્દુત્વના ઠેકેદાર કહીને સમાજ પર આ ગંદકી સ્થાપવા નિકળ્યા છો તમે. શિવાજી, સાંભાજી, મહારાણા પ્રતાપ અને લક્ષ્મીબાઈ જેવા નાયકો જે સનાતન ધર્મ અને આરાધ્ય એવા મા ભવાની અને મહાદેવની ઉપાસના બચાવવા લડ્યા તેમને તેમનું જ નામ લઈ ખતમ કરવાના કાર્યમાં પ્રવૃત્ત છો. પાછા તો વળો જ, પણ થોડી પોતાના તરફ શરમ કરીને પાછા વળો.
- Advertisement -