આ જગત સત્ય છે કે ભ્રમ છે? ભગવાન ગીતામાં કહે છે કે ” આત્મા અમર છે, અવિનાશી છે” તો પછી દેહના મૃત્યુ સાથે જગત કેમ અદ્રશ્ય થઈ જાય છે? સત્ય શું છે- આ જગત કે આત્મા? આપણે જ્યારે ઊંઘતા હોઈએ છીએ ત્યારે જગત કેમ દેખાતું નથી? આદિ શંકરાચાર્યથી લઈને રમણ મહર્ષિ અને જે. કૃષ્ણમૂર્તિ સુધીના બધા જ મહાપુરુષો કહી ગયા છે, કે દ્રશ્ય મહત્વનું નથી, દ્રષ્ટા મહત્વનો છે. આપણને દેખાતું જગત માત્ર દ્રષ્ટા પર નિર્ભર છે. દ્રષ્ટાથી અતિરિકત કોઈ દ્રશ્ય નથી. આ વાતમાં વિશ્વાસ ન પડતો હોય, તો થોડીવાર માટે આંખો બંધ કરી દો. જગત દેખાતું બંધ થઈ જશે.
માટે આધ્યાત્મિક ચિંતકોએ આને દ્રષ્ટિ – સૃષ્ટિ વાદ કહ્યો છે. દ્રષ્ટિ -સૃષ્ટિ વાદ એટલે માણસ પોતાના મનમાંથી સર્જે છે અને પછી પોતાના મનમાં જ સર્જાયેલું જોવે છે. બાકી પરમ તત્વ તો એક જ છે. કોઈ ભણેલો માણસ જ્યારે પુસ્તક વાંચે છે, ત્યારે તેને માત્ર અક્ષરો , શબ્દો અને વાક્યો જ દેખાય છે. તેનું ધ્યાન કાગળ પર જતું નથી. અભણ માણસ જ્યારે કોઈ પુસ્તક હાથમાં લે છે, ત્યારે તેને માત્ર કાગળ જ દેખાય છે .આવું જ આ જગતનું છે. બ્રહ્મ નામના પડદા પર ચલચિત્ર ચાલી રહ્યું છે, જેને આપણે જગત સમજીએ છીએ. ત્રણ કલાકની ફિલ્મ પૂરી થાય છે પછી માત્ર પડદો રહે છે . ચલચિત્ર અને તેમાં હરતા – ફરતા પાત્રો અને ઘટનાઓ અલોપ થઈ જાય છે. સામાન્ય લોકોને માત્ર ચલચિત્ર દેખાય છે, જે જ્ઞાની પુરુષ બ્રહ્મને જાણે છે ,તેને પડદો દેખાય છે.