ભારતને અમેરિકાના કરોડોના વેપાર સામે શું વાંધો છે?
‘નોન-વેજ મિલ્ક’ પર સાંસ્કૃતિક ચિંતાઓને ટાંકીને અમેરિકન ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવા ભારત સરકારનો સ્પષ્ટ ઇનકાર
- Advertisement -
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટેરિફ લાદવાની અંતિમ તારીખ 9 જુલાઈને આગળ વધારીને 1 ઑગસ્ટ કરી દેવાઈ છે. આની સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધિત વાટાઘાટો પણ ચાલુ છે. બંને તરફથી વચગાળાની ટ્રેડ ડીલની આશા છે, જેની જાહેરાત જલદી થઈ શકે છે. જોકે, અમેરિકા સતત કૃષિ અને ડેરી પ્રોડક્ટ માટે ભારતીય બજાર ખોલવાની માગ કરી રહ્યું છે, પરંતુ ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રની સુરક્ષા માટે નમતું ન ઝોકવાનો સંકેત આપ્યો છે. ભારત સરકારે ’નોન-વેજ મિલ્ક’ પર સાંસ્કૃતિક ચિંતાઓને ટાંકતાં અમેરિકન ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આ સમજૂતીથી બંને દેશો વચ્ચેનો વેપાર વર્ષ 2030 સુધી 500 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે કૃષિ ક્ષેત્ર અને ડેરી ઉત્પાદનો અંગે સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા માટે આ અંગે ’કોઈ વાટાઘાટોનો સીધો સ્વીકાર નહીં કરી શકે’. ભારત અમેરિકન ડેરી પ્રોડક્ટ માટે કડક નિયમો લાગુ કરવા માગે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આયાત કરેલું દૂધ એવી ગાયોનું હોય જેમને જાનવરોના માંસ અથવા લોહીવાળો ચારો ન ખવડાવાયો હોય. ડેરી અંગે ભારતનું વલણ રક્ષાત્મક છે, કારણ કે ડેરી ઉદ્યોગથી દેશમાં કરોડો લોકોનું ગુજરાન ચાલે છે. જેમાં મોટા ભાગના નાના ખેડૂતો છે. જોકે, અમેરિકાએ આને બિનજરૂરી વેપારી અવરોધ (ટ્રેડ બેરિયર્સ) ગણાવ્યો છે. નિષ્ણાતો માને છે કે જો વાટાઘાટો નિષ્ફળ જવાની સ્થિતિમાં ટ્રમ્પ ભારત પર 26 ટકા ટેરિફ દર ફરીથી લાગુ કરે એવી સંભાવના ઓછી છે. અમેરિકા ભારત સાથે પોતાની 45 અબજ ડોલરની વેપાર ખાધને ઘટાડવા માટે કૃષિ અને ડેરી નિકાસ માટે દરવાજા ખોલવાની માગ કરી રહ્યું છે. જોકે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 23 દેશોને ચિઠ્ઠી મોકલી છે અને ટેરિફની સમયમર્યાદા એક ઑગસ્ટ સુધી વધારી દીધી છે. ગ્રામીણ અર્થતંત્રમાં ભારતના ડેયરી સેક્ટરનું મહત્ત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો વર્ષ 2023-24માં દેશમાં 23.92 કરોડ ટન દૂધનું ઉત્પાદન થયું હતું. કુલ દૂધ ઉત્પાદનમાં દુનિયામાં ભારતનું પ્રથમ સ્થાન છે. ભારતે 2023-24માં 27.26 કરોડ ડોલરના 63,738 ટન ડેરી ઉત્પાદનની નિકાસ કરી હતી. સૌથી વધુ નિકાસ યુએઈ, સાઉદી અરેબિયા, અમેરિકા, ભૂતાન અને સિંગાપુરને થાય છે. ડેરી ઉત્પાદનોની આયાત પર ભારતમાં સારો એવો ટેરિફ છે. ભારતમાં ચીઝ (એક પ્રકારનું પનીર) પર 30 ટકા, માખણ પર 40 ટકા અને મિલ્ક પાઉડર પર 60 ટકા ટેરિફ લગાવ્યો છે. આ જ કારણ છે કે ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોથી આ ઉત્પાદનો આયાત કરવા લાભકારી નથી, જ્યારે આ દેશોના ડેરી ઉત્પાદનો સસ્તાં છે. જો ભારત અમેરિકન ડેરી ઉત્પાદનો માટે પોતાના દરવાજા ખોલવાનો નિર્ણય લે તો તેને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. ભારતીય સ્ટેટ બેન્કના હાલમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, જો અમેરિકન ડેરી પ્રોડક્ટની પરવાનગી મળે તો આનાથી ભારતીય ડેરી ઉત્પાદનોના ભાવમાં ઓછામાં ઓછા 15 ટકાનો ઘટાડો આવશે અને આનાથી ખેડૂતોને દર વર્ષે 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડેરી ઉત્પાદનો ખોલવાના કારણે ભારતીય ડેરી ઉત્પાદક દેશમાંથી ડેરી ઉપભોક્તા દેશ બની શકે છે.
શું છે નોન-વેજ મિલ્ક ?
અમેરિકા ઇચ્છે છે કે ભારત તેની પાસેથી ડેરી ઉત્પાદનો વધારે ખરીદે પણ ભારત આસ્થા અને સંસ્કૃતિને કારણે આવું નથી કરવા માગતું. ભારતમાં એક મોટી વસ્તી શાકાહારી છે અને જાનવરોના માંસ સાથે જોડાયેલો ચારો ખાનારી ગાયોના દૂધને પોતાની ધાર્મિક માન્યતાને અનુરૂપ નથી માનતી. આવી ગાયોના દૂધને નોન-વેજ મિલ્ક કહેવાય છે. અમેરિકન ડેરી ઉદ્યોગોમાં ગાયોને વજન વધારવા માટે આવો ચારો આપવામાં આવે છે જેમાં જાનવરોનું માંસ અથવા લોહી મળેલું હોય છે. આને કારણે તેને ’બ્લડ મિલ્ક’ પણ કહેવાય છે. સિએટલ ટાઇમ્સના એક લેખ અનુસાર, “ગાયોનો એવો ચારો આપવામાં આવે છે જેમાં ભૂંડ, માછલી, ચિકન, ઘોડા અને બિલાડી અથવા કૂતરાનું માંસ હોય છે. અને જાનવરોને પ્રોટીન માટે ભૂંડ અને ઘોડાનું લોહી આપવામાં આવે છે. જ્યારે વજન વધારવા માટે આ જાનવરોની ચરબીનો હિસ્સો પણ સામેલ હોય છે. ”
‘બ્લડ મીલ’ કોને કહે છે?
બીબીસી હિંદીમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ’બ્લડ મીલ ’ મીટ પેકિંગ વ્યવસાયનું બાય-પ્રોડક્ટ હોય છે અને આને બીજા જાનવરોને ખવડાવવા માટે વપરાય છે. જાનવરોને માર્યા બાદ તેમનું લોહી ભેગું કરીને તેને સુકવીને એક ખાસ પ્રકારનો ચારો બનાવાય છે- તેને ’બ્લડ મીલ ’ કહેવાય છે. આ લાઇસીન નામના એમિનો ઍસિડ (ગાય માટે પ્રોટીનમાં મળતા દસ જરૂરી એમિનો ઍસિડમાંથી એક)નો સારો સ્રોત છે અને તેનો ઉપયોગ પશુપાલન વ્યવસાયમાં ખાસ રીતે થાય છે. દૂધિયાં પશુઓને તંદુરસ્ત બનાવવા અને વધુ દૂધ માટે તેમને નિયમિત રીતે ખાવા માટે ’બ્લડ મીલ’ આપવામાં આવે છે. દૂધિયાં પશુઓ સિવાય તેમનો ઉપયોગ પશુપાલન ઉદ્યોગમાં મોટાપાયે કરવામાં આવે છે. તેનો ઉપયોગ નાઇટ્રોજન વધારવા માટે ખાતર તરીકે પણ કરાય છે. ગાયોના શરીરમાં મળતા પ્રોટીનમાં લગભગ દસ પ્રકારના જરૂરી એમિનો ઍસિડ હોય છે જેમાંથી બે બહુ મહત્ત્વપૂર્ણ છે – લાઇસીન અને મિથિયોનાઇન. ગાયો પ્રોટીન સિવાય એમિનો ઍસિડ્સ પચાવવામાં સક્ષમ હોય છે એટલે તેમને ખાવામાં ’બ્લડ મીલ ’ અને મકાઈ આપવામાં આવે છે. જ્યારે ’બ્લડ મીલ’ લાઇસીનનો સ્રોત હોય છે અને મકાઈમાં મિથિયોનાઇન હોય છે. મિનિસોટા વિશ્વવિદ્યાલયના એક શોધમાં જાણવા મળ્યું કે આવો ચારો આપવાથી લોહીમાં લાઇસીનની માત્રા બગડે છે. તેની જગ્યાએ સોયાબીન પણ લાઇસીનનો સારો સ્રોત છે. ભારતમાં કેટલાંક ઑનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ખેતી માટે ’બ્લડ મીલ ’ વેચાય છે. ફીડિપીડિયા નામની વેબસાઇટ અનુસાર ’બ્લડ મીલ’ બનાવવાથી કતલખાનામાં કચરો ઓછો થાય છે અને પ્રદૂષણ ઘટે છે પરંતુ જાણકારો માને છે કે લોહી સૂકવવાની પ્રક્રિયામાં સારી એવી વીજળી ખર્ચાઈ શકે છે.