-આ અવિસ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મંજૂરી મળી
દેશમાં પૂર્વી રાજ્ય મણિપૂર હિંસા મામલે સરકાર વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ દ્વારા અવિસ્વાસ પ્રસ્તાવ લાવી છે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય રંજન ગોગોઈ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મંજૂરી મળી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ અંગે ચર્ચાની તારીખની માહિતી આપશે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગઈકાલે સાંજે ગૃહમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે મીડિયાને માહિતી આપી હતી.
- Advertisement -
અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?
સંસદીય લોકશાહીમાં કોઈપણ સરકાર માત્ર જ્યાં સુધી ચૂંટાયેલા સભ્યોની બહુમતી હોય ત્યા સુધી સત્તામાં રહી શકે છે. આપણા બંધારણની કલમ 75(3) મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. લોકસભાનો કોઈપણ સભ્ય 50 સાંસદોનું સમર્થન મેળવીને કોઈપણ સમયે મંત્રી પરિષદ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મંજૂર થયા બાદ સંસદમાં તેની ચર્ચા થાય છે. અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપતા સાંસદો સરકારની ખામીઓને પ્રકાશિત કરે છે અને ટ્રેઝરી બેન્ચ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપે છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવે છે
- Advertisement -
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થયા બાદ મતદાન કરવામાં આવે છે. જો લોકસભાના બહુમતી સભ્યો સરકારની તરફેણમાં મતદાન કરે છે તો સરકાર જીતે છે અને સત્તામાં રહે છે. તેનાથી વિપરીત જો બહુમતી સાંસદો અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આપે છે તો સરકાર પડી જાય છે.
શું કેન્દ્ર સરકાર પર કોઈ ખતરો છે?
કેન્દ્રમાં રહેલી ભાજપને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળી હતી. ભાજપ પાસે 303 સાંસદ છે જ્યારે NDA મળીને કુલ સાંસદોની સંખ્યા 331 છે. વિપક્ષની વાત કરવામાં આવે તો ગઠબંધન પાસે 150થી પણ ઓછા સાંસદો છે. આ સાથે જો BRS, YSR કોંગ્રેસ અને BJD ના સાંસદોને જોડવામાં આવે તો પણ તેની સંખ્યા NDA કરતા ઓછી છે. આવી સ્થિતિમાં અવિશ્વાસ પ્રસ્તાવની નિષ્ફળતા નિશ્ચિત છે.
અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ જશે તેમ છતા શા માટે વિપક્ષે લીધો આ નિર્ણય?
લોકસભામાં કોંગ્રેસના વ્હીપ મણિકમ ટાગોરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આ વિચાર વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A.નો છે. અમારું માનવું છે કે સરકારના ઘમંડને તોડવા અને તેને મણિપુરના મુદ્દા પર બોલવા માટે મજબૂર કરવા માટે આનો ઉપયોગ એક છેલ્લા હથિયાર તરીકે થવો જોઈએ.
દેશમાં અત્યાર સુધીમાં 27 અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યા
ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 27 અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યા છે. મોદી સરકાર સામે છેલ્લો અવિશ્વાસ પ્રસ્તાવ જુલાઈ 2018માં આવ્યો હતો. આ પ્રસ્તાવ ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો, જેમા NDAને 325 વોટ મળ્યા જ્યારે વિપક્ષના પ્રસ્તાવને 126 વોટ મળ્યા હતા. આ પહેલા વર્ષ 1963માં પંડિત નેહરુ વિરુદ્ધ દેશમાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ કોંગ્રેસના નેતા આચાર્ય ક્રિપલાની દ્વારા લાવવામાં આવ્યો હતો અને તેનો પરાજય થયો હતો. ઈન્દિરા ગાંધી વિરુદ્ધ 15 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને તે દરેક વખતે તેમની સરકાર બચાવવામાં સફળ રહી હતી.