ઉપનિષદોમાં એક પ્રશ્ર્ન છે- મનુષ્યને શું જોઇએ છે? એનો ઉત્તર છે- આનંદ. હવે પ્રશ્ર્ન એ છે કે આ આનંદ ક્યાં રહેલો છે?
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
સહુ માને છે કે આનંદ આપણાં કાર્યોમાં, ખાનપાનમાં, ગમતા મિત્રો અને સ્વજનોના સંગાથમાં અને ભૌતિક સુખોપભોગમાં રહેલો છે. માટે જ આપણે ભૌતિક સંસારનો વિસ્તાર કરતા રહીએ છીએ.
જો આપણે વિચાર કરીશું તો સમજાશે કે આનંદનો અનુભવ એ પ્રવૃત્તિઓમાં પણ નથી પણ આપણા અંતરમાં જ છે. તમે જ્યારે કોઇ સ્વાદિષ્ટ વાનગી આરોગો છો તો તમને સંતોષનો અનુભવ તે વાનગીમાં થાય છે કે તમારા અંતરમાં? તમે જ્યારે તાજમહાલ જુઓ છો ત્યારે જે આનંદ મળે છે તે તાજમહાલમાં રહેલો છે કે તમારી અનુભૂતિમાં? મનગમતા મિત્રને મળવામાં જે સુખ મળે છે તે મિત્રમાં છે કે તમારા અંતરમાં? સત્ય એ છે કે તમે જે આનંદ અનુભવો છો તે માત્ર તમારા અંતરાત્માના આનંદનું જ પ્રતિબિંબ છે.
આપણી નિદ્રા આ વાતનું સચોટ ઉદાહરણ છે. દિવસભર મબલખ કમાણી કર્યાં પછી, ભાવતાં ભોજન જમ્યાં પછી, ગમતા સ્વજનોનો સંગાથ માણ્યા પછી રાત્રે આપણી કેવી સ્થિતિ થાય છે? આપણે થાકી જઇએ છીએ. આ થાક ઉતારવા માટે આપણે નિદ્રાનાં શરણમાં જવું પડે છે. નિદ્રાની અવસ્થામાં આપણે સાવ એકલા જ હોઇએ છીએ. આપણી સાથે પતિ-પત્ની, સંતાનો, મિત્રો કે આપણી સંપત્તિ કંઇ જ હોતું નથી. આપણે કંઇ જ ભોગવતા નથી તેમ છતાં નિદ્રાવસ્થામાં આપણો થાક ઊતરી જાય છે એનું કારણ આપણી અંતરશક્તિ છે. સવારે જાગીએ છીએ ત્યારે પ્રસન્નચિત્ત હોઇએ છીએ.
- Advertisement -
માટે જ શાસ્ત્રોમાં લખ્યું છે કે સુખની શોધ બાહ્ય જગતમાં ન કરો. સુખ તમારી અંદર જ રહેલું છે. જીવનભર સાક્ષીભાવથી કાર્યો કરતાં રહો. સુખોને ભોગવો પણ મનથી એનો ત્યાગ કરીને. (ત્યાગીને ભોગવી જાણો.)