ગત વર્ષે 1.2 કરોડની હરાજી બાદ રાઇડસની ટિકિટનો દર 150થી 200 રૂપિયા થયો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
તહેવારોની સીઝન શરૂ થઈ ચૂકી છે જેમાં ખાસ કરીને લોકમેળા શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાનો સુપ્રસિધ્ધ લોકમેળો ધ્રાંગધ્રા ખાતે યોજવામાં આવે છે જેમાં દરરોજ હજારો લોકો મેળાની મોજ માણે છે. લોકમેળો આનંદ માટે યોજવામાં આવે છે પરંતુ છેલ્લા ચારેક વર્ષથી ધ્રાંગધ્રાના લોકમેળો લૂંટણીયા મેળા તરીકે સાબિત થાય છે. આ લોકમેળાનું આયોજન સ્થાનિક નગરપાલિકા કરતી હોવાથી દર વર્ષે લોકમેળાના પ્લોટ માટે હરાજી પણ હાથ ધરાય છે જેમાં ગત વર્ષે તમામ પ્લોટની હરાજી પ્રક્રિયાના અંતે નગરપાલિકાને 1.2 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
આ તરફ પ્લોટ ખરીદનાર રાઇડસ ધારકો જેટલા મોંઘા ભાવે પ્લોટ ખરીદી કરે છે એટલા જ રાઇડસમાં ટિકિટોના દર વધુ રાખે છે. જેથી સરકારી ભાવ પત્રકનું ઉલંઘન થતું પણ નજરે પડે છે. પ્લોટમાં કરોડોની કમાણી કરીને નગરપાલિકા બેસી જાય છે અને અંતે લોકમેળો માણવા આવતી જનતાને પિસાવાનો વારો આવે છે. લોકમેળામાં દરેક ચીજ વસ્તુઓ ખાસ કરીને રાઇડસમાં એક વ્યક્તિ દીઠ 150થી 200 રૂપિયા ટિકિટ દર ઉઘરાવવામાં આવે છે.
સરકારના ભાવ પત્રક કર્યા ત્રણ અથવા ચાર ગણા ઉચા ભાવ લેવાતા હોવાની ફરીયાદો જાગૃત નાગરિકો લોકમેળાના આયોજન કર્યા નગરપાલિકાને જણાવે ત્યારે ભાવ પત્રક અમલવારી કરવાની જવાબદારી મામલતદાર અને પ્રાંત અધિકારીની હોવાનું જણાવાય છે જેથી કરોડો રૂપિયાની આવક કરીને બેસી ગયેલી નગરપાલિકાનો બોજો લોકમેળો માણવા આવતા સામાન્ય પરિવારોના શિરે જાય છે.
- Advertisement -
જોકે આ લોકમેળામાં ગર્ભ શ્રીમંતથી માંડીને દરરોજનું કમાઈને ખાતા પરિવારો મજા માણવા આવતા હોય છે પરંતુ પાલિકા પાસેથી માત્ર ચાર દિવસ માટે લાખ્ખોના ખર્ચે લીધેલા પ્લોટમાં ફીટ કરેલી રાઇડસ ધારકો જ્યારે ભાવ પ્તરકનું ઉલંઘન કરી વ્યક્તિ દીઠ 150થી 200 રૂપિયા ટિકિટ ઉઘરાવે ત્યારે સામાન્ય પરિવારો અને તેઓના બાળકો લોકમેળાની મોજ માણી શકતા નથી જેથી ધ્રાંગધ્રાનો “ભાથીગળ લોકમેળો” “લૂંટણીયો મેળો” સાબિત થાય છે.