જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટે એક મહત્ત્વના નિર્ણયમાં જણાવ્યું હતું કે, માતાને ફક્ત એટલા માટે બાળકની કસ્ટડી આપવાનો ઇનકાર ન કરી શકાય કારણ કે તે પિતા જેટલી આર્થિક રીતે સક્ષમ નથી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકની કસ્ટડી નક્કી કરતી વખતે માતા-પિતાની નાણાંકીય સ્થિતિ કરતાં બાળકનું કલ્યાણ અને સુખાકારી પ્રાથમિકતા હોવી જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે માતાની નબળી આર્થિક સ્થિતિનો અર્થ એ નથી કે તે બાળકની સંભાળ રાખવામાં અસમર્થ છે. જસ્ટિસ જાવેદ ઇકબાલ વાનીએ જણાવ્યું હતું કે માતાની ભાવનાત્મક સંભાળ અને સતત સાથ બાળકો માટે પિતાની આર્થિક સુખાકારી કરતાં વધુ મહત્ત્વની છે.
ટ્રાયલ કોર્ટનો આદેશ કર્યો રદ
- Advertisement -
મળતી માહિતી મુજબ, એક માતાએ શ્રીનગરમાં નીચલી કોર્ટના નિર્ણયને પડકારતી અરજીમાં આ આદેશ આપવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે માતા દ્વારા પહેલા આપવામાં આવેલા એક આશ્વાસનને ટાંકીને બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો આદેશ કતર્યો હતો. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, પિતા વિદેશ (કતર)માં રહીને બાળકને વધુ સારી આર્થિક સુવિધા આપી શકે છે. જોકે, હાઇકોર્ટે આ તર્કને નકારી દીધો અને કહ્યું કે, કસ્ટડીનો નિર્ણય ન તો કોઈ એક ફરજના ઉલ્લંઘનના આધારે હોય શકે અને ન તો ફક્ત પિતાની આર્થિક ક્ષમતા પર.
માતાની ભૂમિકા ખૂબ જરૂરી
જસ્ટિસ વાનીએ કહ્યું કે, ‘માતાની અપેક્ષાકૃત ઓછી આવક બાળકની સંભાળ માટે તેને અયોગ્ય નથી બનાવતી. ‘વેલફેર’ શબ્દની વ્યાખ્યા ફક્ત શારીરિક જરૂરિયાત પૂરતી સીમિત નથી. પરંતુ, તેમાં બાળકોનો નૈતિક અને ભાવનાત્મક વિકાસ પણ સામેલ છે. સગીર બાળકોના ભરણ-પોષણમાં માતાની ભૂમિકાને કોર્ટમાં વારંવાર સર્વોપરી માનવામાં આવે છે. જ્યાં સુધી માતાનું આચરણ બાળકોના કલ્યાણ માટે સીધી રીતે પ્રભાવિત ન કરે, ત્યાં સુધી કસ્ટડી તેના પાસેથી છીનવી ન શકાય.
- Advertisement -
પિતા સામે ઘરેલુ હિંસાનો આરોપ
હાઇકોર્ટે એ પણ નોંધ્યું કે, માતા બાળકને લઈને કતરથી ભારત આવી કારણ કે, ત્યાંની એક કોર્ટે પિતાને તેમની સાથે મારપીટના મામલે ગુનેગાર ઠેરવ્યા હતા. એવામાં માતાનું પગલું બાળકોની સલામતીના દ્રષ્ટિકોણથી લેવામાં આવ્યું હોવાનું માની શકાય છે.
બાળકોનું મંતવ્ય અને વાસ્તવિક પરિસ્થિતિ
કોર્ટે પોતાના આદેશમાં 7 વર્ષના મોટા દીકરા સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, જો તે કતર જાય અને તેની માતા તેની સાથે ન હોય તો તેની સંભાળ કોણ રાખશે, ત્યારે બાળકે ખચકાટ સાથે જવાબ આપ્યો, ‘કદાચ નોકરાણી.’ ન્યાયાધીશ વાનીએ કહ્યું કે, આ ખચકાટ બાળકના તેની માતા અને તેની જરૂરિયાતો પ્રત્યેના જન્મજાત લગાવને સ્પષ્ટપણે દેખાય છે.
મુસ્લિમ પર્સનલ લૉ પર પણ કરી ટિપ્પણી
પિતાએ દલીલ કરી હતી કે, હિજાનત (મુસ્લિમ પર્સનલ લૉ) મુજબ, દીકરાની ઉંમર 2 વર્ષ સુધી જ માતાને કસ્ટડીનો અધિકાર છે. હાઇકોર્ટે આ વાતને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, માતાનો અધિકાર અકબંધ રહે છે જ્યાં સુધી તેની સામે કાનૂની અક્ષમતા સાબિત ન થાય. વધુમાં, બંધારણનો ઉલ્લેખ કરીને, કોર્ટે જણાવ્યું હતું કે લિંગ સમાનતા ભારતીય બંધારણીય વ્યવસ્થા માટે મૂળભૂત છે. પિતાને ફક્ત એટલા માટે પ્રાથમિકતા ન આપી શકાય કારણ કે તે એક પુરુષ છે. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, બંને બાળકો 2022થી કાશ્મીરમાં તેમની માતા સાથે રહે છે, ત્યાં અભ્યાસ કરે છે અને સ્થિર વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. તેથી, અચાનક તેમને તેમના પિતા પાસે મોકલવાથી તેમની સ્થિર દિનચર્યા અને ભાવનાત્મક સંતુલન ખલેલ પહોંચશે.