રાજકોટ – ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયાની યાદીમાં જણાવાયું છે કે આગામી તા.૨૨ થી ૨૭-ઓગસ્ટ-૨૦૨૧ દરમિયાન હવામાન ગરમ, ભેજવાળું અને મોટા ભાગે વાદળછાયું રહેશે, ઝાટકા સાથેનો ભારે પવન (૨૫-૪૦ કી.મી./ક્લાક) અને માત્ર હળવા વરસાદની શક્યતા છે. ઉભા પાકમાં વરસાદના અભાવે ભેજની ખેંચ હોય તો નીચે મુજબના પગલા લેવા.
ઉભા પાકમાં ભેજ જળવાઇ રહે તે માટે આંતરખેડ અને નિંદામણ કરવું. ઉભા પાકમાં ચુસીયા જીવાતોનું નિયંત્રણ કરવા ઈમીડાકલોપ્રીડ ૩૦.૫ ટકા ૪ મી.લી. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છાંટવી. ભેજની ખેંચ હોય ત્યારે કોઇ પણ પ્રકારના ખાતરનો છંટકાવ ન કરવો. ભેજની અછતની સ્થિતિમાં કેઓલીન ૪૦૦ ગ્રામ ૧૦ લીટરે પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ઉભા પાકમાં ભેજ બચાવવા ઘઉંના કુંવર, મગફળીની ફોતરી તેમજ અન્ય હાથવગી ખેત આડપેદાશનું આવરણ કરવું. વરસાદને અભાવે જમીનમાં ભેજની ખેંચ હોય ત્યાં ઉભા પાકને ટીપા/સ્પ્રીન્ક્લર ૫ધ્ધતિથી પિયત આપવું. જે વિસ્તારમાં અપૂરતા વરસાદને કારણે આગલો પાક નિષ્ફળ ગયો હોય તો હવે વરસાદ થાય તો અજમા (ગુજરાત-૧ & ૨), તલ ( ગુજરાત-૩ & ૪, પૂર્વા-૧), દિવેલા (જીસીએચ-૪, ૭), ચારાની જુવાર (ગુન્ધ્રી, જીએફ્સ-૩ , જીએએફ્સ-૧૧, એસ-૪૯), તુવેર (બીડએન-૨, વૈશાલી), સોયાબીન (ગુજ. સોયાબીન ૧,૩), મગ (ગુજ. મગ-૪) અને અડદ (ગુ-૧, તી-૯) જેવા પાકો લઈ શકાય.
- Advertisement -
ખાસ કરીને મગફળીમાં પાનનાં ટપકાના રોગનો ઉપદ્રવ ન થાય તે માટે હેક્ઝાકોનાઝોલ અથવા ટેબ્યુંકોનાઝોલ ૧૬ મિલી દવા ૧ પમ્પમાં નાખીને વરાપે છંટકાવ કરવો.