1962 પછી સળંગ ત્રીજી વખત એક જ પક્ષની સરકાર રચવાના પીએમના દાવાને લોકોએ લપડાક મારી : રમેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્ડિયા જોડાણના ઘટક દળોની બેઠકમાં બુધવારે જણાવ્યું હતું કે બંધારણમાં અતૂટ વિશ્વાસ રાખતા બધા જ રાજકીય પક્ષોનું આ જોડાણમાં સ્વાગત છે. તેમણે જણાવ્યું હતં કે ભાજપ શાસિત ન હોય તેવા રાજ્યો જો ઇન્ડિયા બ્લોકમાં જોડાવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. તેમણે બ કલાકની બેઠક બાદ જણાવ્યું હતું કે વિપક્ષ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપના ફાસીવાદી શાસન સામે લડવાનું જારી રાખશે. તેમણે જંગી બેઠકો આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો.
સરકાર રચવાના દાવા અંગે ખડગેએ જણાવ્યું હતું કે અમે હાલમાં સરકાર રચવાનો કોઈ દાવો નહીં કરીએ. અમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈશું. અમે ભાજપ શાસિત ન હોય તેવા રાજ્યોના લોકોની મહત્ત્વાકાંક્ષાઓને તેમની ઇચ્છાઓ પર ધ્યાન આપીશું.
કોંગ્રેસ પ્રમુખે યોજેલી બેઠકમાં ચૂંટણીના પરિણામો અને રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી. તેમા સરકાર રચવાની કોઈપણ પ્રકારની સંભાવના પણ ચકાસવામાં આવી હતી. જૂના સાથીદારો નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ ફરીથી આ બ્લોકમાં આવી શકે કે કેમ તે પણ જોવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા બ્લોક પ્રજાએ તેમને આપેલા જનચુકાદા બદલ આભારી છે. લોકોએ ભાજપને બરોબરનો પદાર્થપાઠ ભણાવ્યો છે. ધિક્કાર, ભ્રષ્ટાચાર અને લોકોને વંચિત રાખનારાઓને બરોબરનો ફટકો માર્યો છે.
- Advertisement -
તેમણે ઉમેર્યું હતું કે આ જનચુકાદો ભારતના બંધારણના રક્ષણ માટે, ભાવવધારા સામે, બેરોજગારી સામે અને ક્રોની કેપિટલિઝમ સામે આપવામાં આવ્યો છે. અહીં મહત્ત્વની વાત એ છે કે શાસક પક્ષ એનડીએ બ્લોક અને વિપક્ષ ઇન્ડિયા બ્લોકની બેઠક એકસાથે ચાલી રહી છે.
કોંગ્રેસે લોકસભા પરિણામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેનો મોટો જનચુકાદો ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ જનચુકાદામાં ભાંગતોડ કરવાનો ઇરાદો ધરાવે છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે પીએમ છાતી કાઢીને કહેતા હતા કે 1962 પછી સળંગ ત્રણવાર કોઈએ સરકાર બનાવી નથી, પરંતુ હું બનાવીશ. નેહરુએ 1952માં 364 બેઠક, 1957માં 371 બેઠક અને 1962માં 361 બેઠક સાથે સરકાર બનાવી હતી. જ્યારે અહીં તો ભાજપ પોતે 240 બેઠક પર આવી ગયું છે અને બહુમતીનો આંકડો એકલા હાથે પાર કરી શક્યું નથી. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે 1989માં કોગ્રેસને 197 બેઠક હતી અને તે સૌથી મોટો પક્ષ હોવા છતાં રાજીવ ગાંધીએ સરકાર બનાવવાનો દાવો કર્યો ન હતો. બેઠકના સમાપન બાદ ખડગેએ મીડિયાને સંબોધતા કહ્યું કે, ‘અમારી બેઠકમાં ગઠબંધન પક્ષના નેતાઓ દ્વારા વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિ પર ઘણા સૂચનો મળ્યા અને ચર્ચા કરવામાં આવી હતી. અમે બધા સાથે મળીને કહેવા માંગીએ છીએ કે, ઈન્ડિ ગઠબંધનના પક્ષોને મળેલા વિશાળ સમર્થન માટે દેશના લોકોનો આભાર. જનાદેશે ભાજપ અને તેની નફરત અને ભ્રષ્ટાચારની રાજનીતિને જડબાતોડ જવાબ આપ્યો છે. આ જનાદેશ ભારતના બંધારણને બચાવવાનો અને મોંઘવારી, બેરોજગારી તેમજ ક્રોની કેપિટાલિઝમ સામે અને લોકશાહીને બચાવવાનો છે. ઈન્ડિ ગઠબંધન મોદીની આગેવાની હેઠળના ભાજપના ફાસીવાદી શાસન સામે લડવાનું ચાલુ રાખશે.’ આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હાલ ઈન્ડિ ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે, અમે યોગ્ય સમય આવવા પર નિર્ણય લઈશું.લોકસભા ચૂંટણી 2024માં ચૂંટણી પંચના આંકડા પ્રમાણે એનડીએએ 292 બેઠકો જીતી છે, પરંતુ ભાજપ એકલા હાથે બહુમતી માટે જરૂરી 272 બેઠક હાંસલ કરી શક્યો નથી.
ભાજપે ફક્ત 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે, જ્યારે I.N.D.I.A. ગઠબંધને 234 બેઠકો હાંસલ કરી છે. આ દરમિયાન વિપક્ષની બેઠક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તમામ રાજકીય પક્ષોને ઈન્ડિ બ્લોકમાં જોડાવાની ઓફર કરી છે.
ખડગેએ કહ્યું છે કે ‘I.N.D.I.A. ગઠબંધન તમામ રાજકીય પક્ષોનું સ્વાગત કરે છે, જે ભારતના બંધારણમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે તેમજ તેના આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાયના હેતુઓ માટે પ્રતિબદ્ધ છે. 18મી લોકસભા ચૂંટણીના પરિણામો અને જનાદેશ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં છે. એટલે તેઓ આ જનમતને નકારવાના શક્ય તમામ પ્રયાસ કરશે.’વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું કે ‘ભાજપે નરેન્દ્ર મોદીના ચહેરા પર આ ચૂંટણી લડી હતી, પરંતુ પ્રજાએ ભાજપને બહુમતી નહીં આપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, મોદીજી માટે ના આ ફક્ત રાજકીય હાર છે, પરંતુ નૈતિક હાર પણ છે.’