મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે હવે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાકની અંદર રહેલા ઈરાની કુર્દિશ દળોને ઈરાન પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે, જો તેઓ ઈરાન પર હુમલો કરવા માંગતા હોય તો તે તેની પૂરેપૂરી તરફેણમાં છે.
અમેરિકી બેઝ પર મોટો હુમલો
- Advertisement -
ઈરાને કતારમાં આવેલા અમેરિકાના મધ્ય પૂર્વના સૌથી મોટા એરબેઝ ‘અલ ઉદૈદ’ (Al Udied) પર રાત્રિ દરમિયાન ડ્રોન હુમલો કર્યો હતો. જોકે, કતારના અધિકારીઓ અનુસાર આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઉપરાંત ઈરાની દળોએ ઈઝરાયેલમાં રામત ડેવિડ એરબેઝ, કુવૈતમાં અલ-અદીરી કેમ્પ અને ઈરાકના ઈરબીલમાં પણ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે.
ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ઈરાનનો આગામી નેતા અમે નક્કી કરીશું’
ગયા અઠવાડિયે અમેરિકી હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખમેનીના મોતના અહેવાલ બાદ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઈરાનનો આગામી નેતા કોણ હશે તે નક્કી કરવામાં અમેરિકાની ભૂમિકા હશે. જોકે, સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકાનો ઉદ્દેશ્ય ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ ક્ષમતા અને પરમાણુ હથિયારોનો નાશ કરવાનો છે, નેતૃત્વ બદલવાનો નહીં.
- Advertisement -
યુદ્ધની અત્યાર સુધીની અસર
જાનહાનિ: ઈરાનમાં અત્યાર સુધીમાં 1,230 લોકો માર્યા ગયા છે, જેમાં મીનાબની પ્રાથમિક શાળામાં થયેલા હુમલામાં માર્યા ગયેલા 175 સ્કૂલ ગર્લ્સ અને સ્ટાફનો પણ સમાવેશ થાય છે. લેબનોનમાં પણ 77 લોકોના મોત થયા છે. આ ઉપરાંત નૌકાદળને પણ નુકસાન પહોંચ્યું છે. અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાનના 30 જહાજો નષ્ટ કર્યા છે, જેમાં એક વિશાળ ડ્રોન કેરિયરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇરાનની મિસાઈલ શક્તિમાં ઘટાડો થયો છે. યુદ્ધના સાત દિવસ બાદ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં 90% અને ડ્રોન હુમલામાં 83% નો ઘટાડો થયો છે.
વૈશ્વિક સંકટ
યુદ્ધને કારણે વિશ્વના તેલ અને ગેસના પુરવઠામાં 20% (પાંચમા ભાગનો) કાપ આવ્યો છે, જેનાથી ઈંધણના ભાવ અને પરિવહન વ્યવસ્થા પર મોટી અસર પડી છે. ભારતમાં પણ તેની અસર વર્તાઇ રહી છે. જો કે અમેરિકા દ્વારા ભારતને એક મહિના માટે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
અન્ય દેશો પણ લપેટમાં
અઝરબૈજાનના સરહદી વિસ્તારમાં ઈરાની ડ્રોન હુમલામાં 4 લોકો ઘાયલ થતા રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે બદલો લેવાની ચેતવણી આપી છે. બીજી તરફ, લેબનોન સ્થિત હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલને ચેતવણી આપી છે. બીજી તરફ દિલ્હીમાં આયોજિત રાયસીના ડાયલોગમાં ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેએ આ યુદ્ધને ઈરાન માટે ‘અસ્તિત્વની લડાઈ’ ગણાવી છે.




