ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાંના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્રણ સભ્યોની બેન્ચે દિલ્હી સરકારને 8 અઠવાડિયામાં રસ્તાઓ પરથી રખડતા કૂતરાં હટાવવાનો આદેશ આપ્યો હતો.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે હવે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, આ મુદ્દાનું સમાધાન થવું જોઈએ, તેના પર વિવાદ ન થવો જોઈએ. આના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓ પ્રત્યે નફરત કરતું નથી અને અમે પણ આ મામલાનો ઉકેલ લાવવા માગીએ છીએ.
દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે, ’કૂતરાના હુમલાથી બાળકો મરી રહ્યા છે. નસબંધી કરવા છતાં કૂતરા કરડવાની ઘટનાઓ અટકતી નથી. દેશમાં આવા અનેક ચોંકાવનારા કિસ્સાઓ છે. આ અંગે અમારે એટલું જ કહેવું છે કે કોઈ પ્રાણીઓથી નફરત કરતું નથી, પરંતુ સુરક્ષા જરૂરી છે. કોઈ કૂતરાઓને મારી નાખવાનું નથી કહી રહ્યું. અમે ફક્ત તેમને માનવ વસ્તીથી અલગ રાખવાનું કહી રહ્યા છીએ.’
તેમણે કોર્ટને જણાવ્યું કે લોકો પોતાના બાળકોને બહાર મોકલતા ડરી રહ્યા છે અને માત્ર કાયદા કે નિયમોથી આ સમસ્યા હલ નહીં થાય. આ માટે કોર્ટે દરમિયાનગીરી કરવી પડશે.