ગૃહમંત્રી અસદુઝમાન ખાને કહ્યું કે, બાંગ્લાદેશ ક્યારેય સાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરતું નથી અને ન તો તેનું સમર્થન કરે છે. અમારું મુખ્ય લક્ષ્ય બાંગ્લાદેશને બિનસાંપ્રદાયિક દેશ બનાવવાનું
ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં અજ્ઞાત બદમાશોએ શનિવારે રાત્રે ઘણા હિંદુ મંદિરો પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જેને લઈ ફરી એકવાર બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. આ દરમિયાન મીડિયા અહેવાલો અનુસાર બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાને કહ્યું કે, બાંગ્લાદેશ ક્યારેય સાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરતું નથી અને ન તો તેનું સમર્થન કરે છે. અમારું મુખ્ય લક્ષ્ય બાંગ્લાદેશને બિનસાંપ્રદાયિક દેશ બનાવવાનું છે. વડાપ્રધાન પણ એ જ ભાવનાથી કામ કરી રહ્યા છે. આપણો હિન્દુ સમાજ આ દેશમાં હતો અને હંમેશા રહેશે.
- Advertisement -
અમે હિન્દુઓને પ્રાથમિકતા આપી: અસદુઝમાન
બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાને કહ્યું કે, સરકારની હિન્દુઓને બાકાત રાખવા અથવા વંચિત રાખવાની કોઈ યોજના નથી. અમે તેમને પ્રાથમિકતા આપી છે. તેમણે સચિવાલય અને પોલીસ વિભાગ સહિતના ટોચના હોદ્દા સંભાળ્યા છે. તેઓ તેમની લાયકાત મુજબ હોદ્દા પર સ્થાન ગ્રહણ કરે છે. અવામી લીગ હિન્દુ સમુદાયને પ્રેમ કરે છે. અવામી લીગ બિનસાંપ્રદાયિકતામાં માને છે. અવામી લીગ એવું માનતી નથી કે, અહીં માત્ર મુસ્લિમોની જ જીત થશે. તેથી જ તમામ સમુદાયના લોકો અવામી લીગને અતૂટ સમર્થન આપે છે.
આતંકવાદ એ અમારી સરકાર વિરુદ્ધ કાવતરું
બાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદ અમારી સરકાર વિરુદ્ધ રચાયેલું કાવતરું છે. આપણા દેશના લોકોએ ક્યારેય આતંકવાદને આશ્રય આપ્યો નથી. તેઓ (આતંકવાદીઓ) ઇસ્લામના નામે જે સ્થાપિત કરવા માંગે છે તે સંપૂર્ણપણે ખોટું છે. આપણા ઇસ્લામ દ્વારા આતંકવાદને સમર્થન નથી. આપણી ઇસ્લામ આધારિત પાર્ટીઓ અને સામાન્ય લોકો તેમને નફરત કરે છે. અમે આતંકવાદીઓને ઓળખવામાં અને તેમના નાપાક ષડયંત્રનો પર્દાફાશ કરવામાં સફળ રહ્યા છીએ. તેઓ વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરે છે, તાલીમ માટે પર્વતો પર જાય છે અને પછી પાછા આવે છે. અમે તેમનો સામનો કરવા સક્ષમ છીએ. આતંકવાદ હવે નિયંત્રણમાં છે. આ સરકારની સફળતા છે. ઈસ્લામ કે અન્ય કોઈ ધર્મમાં લોકોની હત્યાને કોઈ સ્થાન નથી. દરેક ધર્મ લોકોમાં શાંતિને પ્રોત્સાહન આપે છે.
બાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું, અમે 21 વર્ષથી સત્તામાં નહોતા, તે 21 વર્ષોમાં આપણા મૂલ્યો નષ્ટ થઈ ગયા, ઈતિહાસ વિકૃત થઈ ગયો. આપણા વડાપ્રધાને બધું બરાબર કર્યું છે. અમારી ભાવના એક બિન-સાંપ્રદાયિક દેશ, બધા માટે આવાસ, બધા માટે શિક્ષણ અને આરોગ્યની બાંયધરી હતી. તમામ ધર્મના લોકોને સમાન અધિકાર મળશે. પરંતુ મુક્તિ સંગ્રામની પરાજિત શક્તિઓ હજુ સુધી પીછેહઠ કરી નથી. તેઓ હજુ પણ સક્રિય છે. તેઓ મુક્તિ સંગ્રામની ભાવના સાથે રમવા માંગે છે. તેઓ વારંવાર ધાર્મિક સંવાદિતાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એક જ ષડયંત્રનો ભાગ છે. અમે આ સહન નહીં કરીએ.
- Advertisement -
શું બની હતી ઘટના ?
શનિવારે રાત્રે અજ્ઞાત બદમાશોએ ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશમાં 14 હિંદુ મંદિરો પર હુમલો કર્યો અને તોડફોડ કરી. પોલીસે રવિવારે આ જાણકારી આપી. ઠાકુરગાંવના બલિયાદંગી ઉપજિલ્લામાં હિન્દુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે, અજ્ઞાત લોકોએ રાત્રે હુમલા કર્યા અને 14 મંદિરોની મૂર્તિઓની તોડફોડ કરી. બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલીક મૂર્તિઓ મંદિરની નજીકના તળાવોમાં મળી આવી હતી.