પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને પાકિસ્તાને તેમાંથી પાઠ શીખ્યો છે.
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલ તળિયાઝાટક થયો છે જે સૌથી ખરાબ આર્થિક સ્થિતિમાથી પસાર થઈ રહ્યો છે. જેની ચાડી ખાતી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં છાશવારે સામે આવતી હોય છે. આ આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ભારતને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને પાકિસ્તાને તેમાંથી પાઠ શીખ્યો છે.
- Advertisement -
અમે શાંતિથી જીવવા માંગીએ છીએ..
હાલ એક ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન શાહબાઝ શરીફએ કહ્યું છે કે અમારી પાસે એન્જિનિયર, ડોક્ટર અને કુશળ મજૂરો છે. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે આ કુશળ શ્રમનો ઉપયોગ હવે દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે કરવા માંગીએ છીએ. જેથી આ પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત થાય જેથી બંને દેશો પ્રગતિ કરી શકે. અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ. માનવ અધિકારોનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ. તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આપણા બંને દેશો પરમાણુ સંપન્ન રાષ્ટ્રો છે. જો બંને દેશો આ દિશામાં આગળ વધે તો શું થશે તે અલ્લાહ જાણે છે.
આ દરમિયાન શાહબાઝે કહ્યું કે આપણે વાટાઘાટોના ટેબલ પર બેસીને કાશ્મીર જેવા સળગતા મુદ્દા પર ગંભીર વાતચીત કરવી જોઈએ. વધુમાં ભારત સાથે ત્રણ યુદ્ધો થયા અને તેનાથી માત્ર ગરીબી અને બેરોજગારી જ આવી.હવે અમે હવે શાંતિથી જીવવા માંગીએ છીએ.