બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો.અબ્દુલ મોમિને ચીનને મરચાં લાગી જાય તેવું નિવેદન આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
વિદેશ મંત્રી ડો.અબ્દુલ મોમિને કહ્યુ છે કે, અમારો દેશ ચીનની પૂંછડી નથી અને ભારત સાથે અમારા સબંધો ચટ્ટાન જેવા મજબૂત છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધોનો અત્યારે સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશ કોઈ એક દેશ તરફ ઝુકી રહ્યુ છે તેવી અટકળો પાયા વગરની છે. તેમણે કહ્યુ હતુ કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે બાંગ્લાદેશ ચીન તરફ ઝુકી રહ્યુ છે પણ બાંગ્લાદેશે હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવેલી છે.
- Advertisement -
અમારો કોઈના પ્રત્યે વધારે ઝુકાવ નથી. બાંગ્લાદેશ તમામ સાથે મિત્રતા રાખવામાં અને કોઈની પણ સાથે દ્વેષભાવ નહીં રાખવામાં માને છે. અમારો હેતુ લોકોના કલ્યાણ માટે કામ કરવાનો છે. દેશની સરકર આ જ લક્ષ્યને સામે રાખીને કામ કરી રહી છે. બાંગ્લાદેશ ચીનના દેવાની જાળમાં ક્યારેય સપડાયુ નથી. ડો.મોમિને કહ્યુ હતુ કે, બાંગ્લાદેશ સમજી વિચારીને નિર્ણય લે છે.
વિદેશી લોન લેતી વખતે સરકાર બહુ સાવધાન રહે છે. ચીન પાસેથી બાંગ્લાદેશે લોન પેટે માત્ર 3.5 અબજ ડોલર લીધા છે. જે દેશની કુલ જીડીપીના માત્ર 0.75 ટકા છે.તેમણે કહ્યુ હતુ કે, ભારત સાથે તો અમારા સબંધો મજબૂત છે જ પણ અમેરિકા પણ અમારી સાથે સબંધ સુધારવા માંગે છે અને આ માટે તે એક પછી એક પ્રતિનિધિ બાંગ્લાદેશમાં મોકલી રહ્યુ છે.