મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
થોડાંક વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના એક જાણીતા શહેરમાં જવાનું બન્યું હતું. સમુદ્ર કિનારે આવેલું એ શહેર માછીમારીના વ્યવસાય માટે જાણીતું છે. શહેરના માર્ગો પર ફરતાં ફરતાં મારી ઘ્રાણેન્દ્રિય મૃત માછલીઓની અસહ્ય દુર્ગંધથી ઊભરાઈ ઊઠી. શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું. મેં સ્થાનિક યજમાનને પૂછ્યું, “છી! આટલી દુર્ગંધમાં તમે કેવી રીતે રહી શકો છો?”
- Advertisement -
તે સજ્જને જવાબ આપ્યો, “તમને વાસ આવે છે? ક્યાં છે દુર્ગંધ? અમને તો એવું જરા પણ લાગતું નથી.” તે સજ્જન એમની રીતે સાચા હતા. વર્ષોથી એ શહેરમાં રહેવાને કારણે તેઓ માછલીની વાસથી ટેવાઈ ગયા હતા. એવું બને કે તેમને શહેરમાંથી બહાર લઈ જવામાં આવે તો કદાચ તેઓ રહી ન શકે. એક દૃષ્ટાંત કથા યાદ આવે છે. એક રાજા નિયમિત રીતે એક સંત મહાત્માને મળવા જતો હતો. એકવાર તેણે સંતને વિનંતી કરી, “આપ મારા મહેલમાં પધારો.” સંત પધાર્યા.
રાજાએ મહેલના બધા ઓરડાઓમાં તેમને ફેરવ્યાં. બેઠકખંડ, દરબારખંડ, ભોજનકક્ષ, શયનખંડ ઇત્યાદિ દરેક ખંડમાં પ્રવેશીને સંત આટલું જ બોલ્યા, “છી! અહીં તો મને અસહ્ય દુર્ગંધ આવે છે. દુર્ગંધ તમારા ભોગવિલાસોની, તમારી કામનાઓની, તમારા સાંસારિક ઉપભોગની, તમારી દૈહિક વાસનાઓની, લક્ષ્મીના અમર્યાદ ભોગવટાની, ઈર્ષા, મોહ, કપટ આ બધાની દુર્ગંધ મને આવે છે.” સંતની વાત સાંભળીને રાજાને પણ આશ્ર્ચર્ય થયું હતું. કારણ કે તે તો આ બધાથી ટેવાઈ ગયો હતો. તેના માટે તો તેનો મહેલ સુગંધી હતો, સુંદર હતો, રહેવા માટે શ્રેષ્ઠ હતો. આપણે બધા પણ આ જગતની માયા અને ભૌતિક સંસાધનોથી ટેવાઈ ગયા છીએ, એટલે આપણને એમાં રહેલી દુર્ગંધ સતાવતી નથી. જાગ્યા ત્યાંથી સવાર.