છેલ્લાં 24 કલાક દરમિયાન દેવભૂમી દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો, જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેવભૂમી દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.75 ઇંચ તથા દ્વારકા તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે પોરબંદર તાલુકામાં 4 ઈંચ જેટલો, માંગરોળ તાલુકામાં 3.74 ઈંચ, સુત્રાપાડા તાલુકામાં 3.35 ઈંચ, જાફરાબાદ તાલુકામાં 307 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
- Advertisement -
આ ઉપરાંત આજે સવારે ૬ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢના વંથલીમાં 5 ઈંચથી વધુ તથા કેશોદમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં 4.76 ઈંચ તથા ગીર સોમનાથના તલાલા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0173 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. રાજ્યમાં હાલ 64 ડેમને હાઈ એલર્ટ, 29 ડેમને એલર્ટ તથા 21 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે સવારે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69.92 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69.06 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.