પાણીનાં પ્રશ્ર્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લા ખાતે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જુદા જુદા વિસ્તારોની મુલાકાત કરી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, થાનગઢ અને ચોટીલા ખાતે આ મુલાકાત દરમિયાન સિંચાઈ અને પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં લોકોનાં પ્રશ્નો સાંભળી સંબધિત અધિકારીઓને યોગ્ય નિકાલ માટે સૂચના પણ આપી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આગેવાનો પાસેથી સિંચાઈ અને પીવાનાં પાણીનાં પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી હતી અને સર્વેને તાકીદ કરતાં કહ્યું હતું કે, સૌની યોજના અન્વયે કામગીરી હાલ પ્રગતિ હેઠળ જ છે, જે વહેલીતકે પૂર્ણ થશે. જેનો લાભ નાગરિકોને મળવાનો છે. વધારાનું વહી જતું પાણી મળી રહ્યું છે ત્યારે, પાણીની કિંમત સમજીને સિંચાઈ માટે મળતું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. પીવાનાં પાણીનો પણ દુરપયોગ કે બગાડ ન થાય તેનું ધ્યાન રાખી યોગ્ય રીતે પાણીનો વપરાશ કરવો તે આપણા સૌની ફરજ છે. પાઈપલાઈન સુધારણા અન્વયે જૂની નાની પાઈપલાઈન કાઢી મોટી પાઈપલાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે ગામમાં પૂરતું સ્ટોરેજ ન હોય ત્યાં સ્ટોરેજ વ્યવસ્થા પણ ઉભી કરાશે. સાથે જ ગામ સુધી પાણી પહોંચ્યા બાદ ગામમાં સુચારૂ રીતે વિતરણ કરવાની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવાની રહેશે.
- Advertisement -
હાલ મોટા ભાગનાં તળાવો ઉંડા થઈ ચૂક્યા છે. બાકી રહેતા તળાવોમાં વરસાદી પાણી ભરાયેલા હોય, આથી તળાવમાં પાણી ઓછું થયે તળાવ ઊંડા કરવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે.
કુંવરજીભાઇ બાવળિયાએ ખેડૂતોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, સિંચાઈના પાણીનાં પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ઓછા પાણીએ થતી ખેતી પધ્ધતિ જેવી કે, ડ્રિપ ઇરીગેશન પધ્ધતિ, ટપક સિંચાઈ પધ્ધતિ વગેરે જેવી ટેકનિકો અપનાવી જોઈએ. જેથી ઓછા પાણીએ પણ સારી ખેતી કરી વધુ આવક મેળવી શકાય. બને તેટલો પાણીનો ઓછો ઉપયોગ થાય તેવા પ્રયાસો સર્વેએ પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજી કરવા જોઈએ. બેઠક દરમિયાન પૂર્વ ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા, વર્તમાન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.