દસાડાના ધારાસભ્યએ આપેલી સૂચના પણ અધિકારીઓએ ધ્યાને ન લીધી
અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા નથી તો નાગરિકની શું હશે સ્થિતિ ?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી શહેર સહિત ગ્રામ્યના આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ કફોડી બની છે વરસાદી પાણીનો ભરાવો ગાંડા બાવળો ઉગી નીકળવા સહિત વિવિધ સમસ્યાનો ઉદ્ભવ થવા પામ્યો છે આ બાબતે દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા અધિકારીઓને સમસ્યા નિરાકરણ માટે સૂચના આપવા છતાં અધિકારીઓ ધારાસભ્યની સૂચનાને પણ ગાંઠતા ન હોય તેવો ઘાટ સર્જાયો છે અને પાણી ભરાવા,ગાંડા બાવળનો અંડીગો સહિતની સમસ્યા યથાવત રહેવા પામી છે જો અધિકારીઓ સત્તા પક્ષના ધારાસભ્યની સૂચનાની પણ અવગણના કરતા હોય તો નાગરિકની રજૂઆતોની શું સ્થિતિ હશે ? તેવા સવાલો ઉભા થવા પામ્યા છે. કચ્છના નાના રણને અડીને આવેલ દસાડા તાલુકા ગ્રામ્ય તથા મુખ્ય મથક પાટડી શહેરનિ આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ કફોડી બની છે ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયા પાયાના પથ્થર સમાન આંગણવાડી કેન્દ્ર માટે વાપરવામાં આવી રહ્યા છે વાલી પોતાના બાળકોને અહીં રમવા તથા શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે મોકલતા હોય છે.
- Advertisement -
પરંતુ આંગણવાડી કેન્દ્રના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી સરકાર દ્વારા આપવામાં આવેલ લપસણી હીચકા સહિતના રમતગમતના સાધનો એક ખૂણામાં ઢગલો કરી દેવામાં આવ્યા છે અને બિન ઉપયોગી બની રહ્યા છે આ ઉપરાંત કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે ગાંડા બાવળો ઉગી નીકળવાથી જીવજંતુઓનો ભય પણ વાલીઓને સતાવી રહ્યો છે.
આ બાબત દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારને ધ્યાને આવતા અધિકારીઓને સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી જેના દિવસો વિતવા છતાં અધિકારીઓ જાણે ધારાસભ્યને પણ ધ્યાને લેતા નથી અને હજુ સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણીનો ભરાવો તથા ગાંડા બાવળનો અંડીગો યથાવત રહ્યો છે.



