તંત્રને ધ્યાને આવતા આખરે કામગીરી શરૂ કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
વઢવાણ શહેરના ધોળીપોળ વિસ્તારના મુખ્ય માર્ગ કે જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં પાણીની લાઈન લીકેજ થતા પાણીનો ભરાવો થયો હતો. દિવસ રાત રાહદારી-વાહનોથી ધમધમતા આ રસ્તા પર છેલ્લા 3 દિવસથી લીકેજ લાઈનના કારણે લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. ત્યારે આ બાબત તંત્રના ધ્યાને આવતા રિપેરીંગનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરેન્દ્રનગર-વઢવાણના માર્ગો પર વારંવાર ગટર કે પાણીની લાઈન લીકેજ હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વઢવાણ શહેરના હાર્દસમાન ધોળીપોળ વિસ્તારમાં ચાર માર્ગીય રસ્તો ભેગો થાય છે. જેમાં ગેબનશાપીરથી બંને પુલ ઉપરથી આવતા વાહનો, જોરાવરનગર, રતનપર, ગણપતિ ફાટસર તરફથી આવતા વાહનો તેમજ ગઢ અંદરથી ધોળીપોળ દરવાજા બહાર નીકળતા વાહનો આ ઉપરાંત લીંબડી શિયાણીપોળ તરફથી આવતા વાહનોનો માર્ગ ધોળીપોળ પાણીની ટાંકી સામેના જ માર્ગ પરથી પસાર થાય છે. જેના કારણે શહેરી તેમજ ગ્રામ્ય પંથકના રાહદારીઓ, શહેરીજનો તેમજ વાહનચાલકો આ માર્ગ પર દિવસ રાત નીકળી રહ્યા છે. મુખ્ય માર્ગના વળાંકમાં જ આવી પરિસ્થિતિ સર્જાતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. યોગ્ય કાર્યવાહીની માગ ઊઠી હતી. તો બીજી તરફ મુખ્ય રસ્તા પર જ પાણીની લાઈન લીકેજ હોવાનું તંત્રના ધ્યાને આવતા રિપેરીંગની કામગીરી હાથ ધરાઇ હતી.