કુલ 618 પાણીના પોઇન્ટ જે પૈકી 167 કુદરતી અને 451 કૃત્રિમ
ગરમીની ઋતુમાં જંગલના તમામ વન્યજીવો માટે ખાસ આયોજન
- Advertisement -
કીટકોથી લઈને વનના રાજા માટે કુદરતી અને કૃત્રિમ પાણીના પોઇન્ટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ જિલ્લા સહીત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થિત ગીરનું જંગલ સુકા પાનખર પ્રકારનુ જંગલ છે. આ અનન્ય ઇકોસિસ્ટમ સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવે છે. ગીરના જંગલોમાં 41 પ્રજાતિના સસ્તન પ્રાણીઓ, 47 પ્રજાતિનાં સરીસૃપ, 338 પ્રજાતિના નિવાસી અને યાયાવર પક્ષીઓ તેમજ 2000થી વધુ પ્રજાતિના કિટકો વસવાટ કરે છે.
ગીરનું જંગલ શેત્રુંજી, હિરણ, શિંગોડા, મચ્છુંદ્રી, રાવલ, ઘોડાવડી અને ધાતરડી જેવી મહત્વની નદીઓનું ઉદ્દગમ સ્થાન છે. ગીરની જીવાદોરી ગણાતી આ નદીઓ જુદી જુદી દિશામાં વહે છે. તદુપરાંત હિરણ, મચ્છુંદ્રી, રાવલ અને શિંગોડા નદીઓ પર એક-એક જળાશયો આવેલા છે. આ નદીઓ અને જળાશયો વિશાળ કેચમેન્ટ વિસ્તાર ધરાવે છે. આ નદીઓ અને જળાશયો માત્ર મનુષ્યને પીવા અને કૃષિ હેતુઓ માટેજ નહિ પરન્તું વન્યજીવો માટે પણ પાણી પુરૂ પાડે છે. ઉનાળા દરમીયાન મોટા ભાગના કેચમેન્ટ અને મોસમી પ્રવાહના વિસ્તારો સુકાઇ જાય છે અને પાણી ભરેલા ખાડા જેને સ્થાનિક રીતે ‘ઘુના’ તરીકે ઓળખાવામાં આવે છે તેમા પાણી વધે છે. ગીરના જંગલની ડ્રેનેજ પેટર્ન અને ટેરેનના કારણે આવા કુદરતી પાણીના સ્ત્રોતોનું વિતરણ અસમાન છે. આના કારણે વન્યજીવો જે બાજુ વધુ પાણી હોય તે બાજુ વધુ જતા રહેતા હોય છે. પાણીના પોઇન્ટનું ઇકોસિસ્ટમ ફંક્શનીંગ અને વન્યપ્રાણીઓની હિલચાલ સાથેના જોડાણના કારણે તેનું વ્યસ્થાપન મહત્વપુર્ણ બની જાય છે. તેથી વ્યવસ્થાપકો માટે ગીરના જંગલોમાં ઉનાળાની ઋતુ દરમીયાન પાણીનાં પોઇન્ટનું વ્યવસ્થાપન કરવું અગત્યનું બની જાય છે.ગીરના જંગલોમાં પાણીના પોઇન્ટને કુદરતી અને કૃત્રિમ એમ બે ભાગોમાં વિભાજીત કરવામાં આવેલા છે.
- Advertisement -
કુદરતી પાણીના પોઇન્ટ એવા હોય છે જે આખા વર્ષ દરમીયાન જો તે વિસ્તારમાં વરસાદ પુરતા પ્રમાણમાં પડ્યો હોય તો કુદરતી ડિપ્રેશન, નદીઓ અથવા મોટા પ્રવાહોમાં પાણીનો સંગ્રહ કરે છે. કૃત્રિમ પાણીના પોઇન્ટ માનવસર્જિત હોય છે, જે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વન્યજીવો માટે પાણી પુરૂ પાડવા બનાવવામાં આવે છે. ગીરનાં જંગલોમાં ઉનાળાની ઋતુ દરમીયાન વન્યજીવોને પાણી મળી રહે તે માટે પદાધીકારીઓ દ્વારા વૈજ્ઞાનિક રીતે મુલ્યાંકન કરવામાં આવેલ છે. ગીરમાં કુલ 618 પાણીના પોઇન્ટ આવેલા છે જે પૈકી 167 કુદરતી અને 451 કૃત્રિમ પાણીના પોઇન્ટ છે. કૃત્રિમ પાણીના પોઇન્ટ વિવિધ માધ્યમો દ્વારા ભરવામાં આવે છે જેમા વધુમાં વધુ સૌર અને પવન ઉર્જા જેવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવે છે. સૌર ઉર્જા સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સ્ત્રોત છે. સૌર ઉર્જાની મદદથી કુલ 163 પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે. આ ઉપરાંત શ્રમયોગી દ્વારા 119, પાણીના ટેન્કરની મદદથી 80, પવન ચક્કી દ્વારા 69 અને અન્ય માધ્યમો દ્વારા 20 પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે.
માંદણા ઉપરાંત પાણીના પોઇન્ટ પર અડધી ડુબેલી અને અડધી બહાર રહે તે રીતે બેશણના કોથળાઓ રાખવામાં આવે છે.આ કોથળાઓ કિટકોને પાણી પુરૂ પાડે છે અને હવાના કારણે પાણીમાં ઉત્તપન્ન થતી લહેરોથી આવા કિટકોને ધોવાઇ જવાથી બચાવે છે.જો પાણીના પોઇન્ટની બાજુમાં માંદણુ હોય તો આ કોથળાઓની જરૂર પડતી નથી કેમ કે માંદણા આ હેતુ પુરો પાડે છે. ગીરના જંગલમાં વન્યજીવોને ટકાવી રાખવા આ કૃત્રિમ પાણીના પોઇન્ટ કુદરતી પાણીના પોઇન્ટ સાથે વિવિધ વન્યપ્રાણીઓની પાણીની જરૂરીયાત પુરી કરે છે. ગીરના જંગલમાં પાણીના પોઇન્ટનું વ્યસ્થાપન વન્યજીવના સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરીનું એક ખુબજ મહત્વપુર્ણ સાધન છે.