વોટર ATM માટે નગરપાલિકાએ પચીસ લાખનો ખર્ચ પાણીમાં ગયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
ધ્રાંગધ્રા નગરપાલિકા ગળાડૂબ ભ્રષ્ટાચારમાં કીચડમાં ખદબદી રહ્યું છે. ત્યારે નગરપાલિકામાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને આ ગ્રાન્ટને મંજૂર કરી કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ ધ્રાંગધ્રા નગરપાલિકાનો વિકાસ તકલાદી હોય તેમ માત્ર થોડા સમય માટે જ રહે છે જે બાદ લોકોની સ્થિતિ પહેલાની માફક થતી દેખાય છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા અગાઉ લાખો રૂપિયાના ખર્ચે પાંચ જેટલા વોટર એ.ટી.એમ મુકવામાં આવ્યા હતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિકોને સ્વચ્છ અને શુધ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા માટે શહેરના સીટ દરવાજા, શક્તિ ચોક, નગરપાલિકા, ટાઉન હોલ, હળવદ રોડ પર આ વોટર એ.ટી.એમ મૂકવામાં આવ્યા હતા લગભગ બે વર્ષ પૂર્વે મૂકેલા આ શુધ્ધ પાણી માટેના એ.ટી.એમ હાલ ખખડધજ હાલતમાં નજરે પડે છે આ અગાઉ જ તમામ એ.ટી.એમ બંધ હાલતમાં હતા અને ભાગ્યે જ સ્થાનિક લોકોને એ.ટી.એમમાંથી શુધ્ધ પાણીનો લાભ મળ્યો હશે અને તેવામાં દરેક એ.ટી.એમમાંથી ડિજિટલ ડિસ્પ્લે પણ ગાયબ છે કહેવાય છે કે ડિસ્પ્લેમાં યાંત્રિક ખામી હોવાથી તેને રિપેર કરવા માટે આપી હતી પરંતુ હવે આખે આખું એ.ટી.એમ જ રિપેર કરવાની જરૂર હોવાથી ડિસ્પ્લેની કોઈ જરૂરિયાત ઊભી નહીં થતા બરોબર ચાઉં થઈ ગઈ હોવાનું માનવા આવી રહ્યું છે. શહેરી વિસ્તારના નાગરિકોને શુધ્ધ અને સ્વચ્છ પાણી આપવાના બણગા ફૂંકતી નગરપાલિકા અને તેનો સ્ટાફ જ મિનરલ વોટરના ખરીદેલા જગ મંગાવી રહ્યા છે અને તેનો ખર્ચ સરકારી તિજોરીમાં થોપી એમાંય ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની વિગત છે. ત્યારે સરકારના ધારાધોરણ મુજબ કોઈપણ સરકારી ગ્રાન્ટમાંથી ખરીદાયેલ ચીજવસ્તુ અથવા તો રોડ રસ્તાની મર્યાદા ત્રણ વર્ષની હોય છે પરંતુ અહીં ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રતિ વોટર એ.ટી.એમના પાંચ લાખ રૂપિયા એટલે કે કુલ પચીસ લાખ રૂપિયાના ખર્ચે મંગાવેલ પાંચ એ.ટી.એમના ખર્ચ પાણીમાં ગયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.



