વારંવારની ફરિયાદો ફાઇલોમાં દબાઈ, નાગરિકો બીમારીઓથી પરેશાન; હવે ક્યાં ફરિયાદ કરવી તે પણ સમજાતું નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગોવિંદપાર્ક મેઈન રોડ અને ગોવિંદપાર્ક શેરી નંબર-1ની મેઈન એન્ટ્રી વર્ષોથી પાણી ભરાવ અને કીચડની સમસ્યાથી પીડાઈ રહી છે. રસ્તા પર સદાય ગંદુ પાણી ઉભું રહે છે, કીચડના કારણે વાહનચાલકો તેમજ પગપાળા લોકો મુશ્કેલીમાં મુકાય છે, અને ચારે તરફ મચ્છર-જીવાણું ફેલાતા નાગરિકો વારંવાર બીમાર પડી રહ્યા છે.આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિકોએ છેલ્લા ઘણા મહિનામાં રાજકોટ મહાનગરપાલિકામાં 6-6 વખત લેખિત ફરીયાદ કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. પહેલી ફરિયાદ કમિશનર શ્રીને 10/07/2025ના રોજ જનરલ રજિસ્ટ્રી વિભાગમાં ઇન્વર્ડ નંબર 2420 સાથે કરવામાં આવી હતી.
- Advertisement -
તે પછી પણ વારંવાર યાદ અપાવતાં ફક્ત જુઈશું જેવા જવાબો મળ્યા, કાર્ય નહીં.સ્થાનિકોનો આક્રોશ છે કે હવે તેઓ ફરીયાદ કરતાં થાકી ગયા છે. અમે હવે ક્યાં ફરીયાદ કરીએ તે સમજાતું નથી. તંત્ર આંખ મીંચીને બેઠું છે. અમારી સમસ્યા ઉકેલવા માટે કદાચ અખબારના મોટા હેડિંગમાં જ આ મુદ્દો આવવો પડશે, જેથી અધિકારી અથવા ઇજનેર શ્રીની નજર પડે, એમ એક રહેવાસીએ જણાવ્યું.
સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ સામૂહિક રીતે રસ્તા પર ઊતરશે.