જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા. ૧૨.૯૭ લાખના ખર્ચે વાસ્મો યોજના હેઠળ તૈયાર થનાર ઘરે ઘર નળ દ્વારા પાણી વિતરણ કરવાની યોજનાનું ખાતમુહૂર્ત રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે સંપન્ન કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના તમામ રાજયોના પ્રત્યેક ઘરોમાં નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પહોંચતું કરવાના મહત્વાકાંક્ષી ‘‘હર ઘર નલ સે જલ’’ અભિયાનને ગુજરાત રાજયમાં વર્ષ ૨૦૨૨માં જ પરીપુર્ણ કરવાના લક્ષ્યાંક સાથે થઇ રહેલ કામગીરીની વિગતો આપતાં મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ જસદણ અને વિંછીયા તાલુકામાં રાજય સરકાર દ્વારા આ વિસ્તારમાં થઇ રહેલ શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વિજળી સહિતની માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેના કામોની વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે નજીકના સમયમાં જ માથે બેડા લઇને દુર સુધી પાણી ભરવા જવાની આ વિસ્તારની બહેનોની મુશ્કેલી હવે ભૂતકાળ બની જશે.
- Advertisement -
૩૮૨૭ લોકોની અંદાજીત વસ્તી ધરાવતા નાની લાખાવડ ગામમાં રૂા. ૧૨.૯૭ લાખના ખર્ચે તૈયાર થનાર વાસ્મો હેઠળની આ યોજનામાં રૂા. ૭.૧૧ લાખના ખર્ચે બે લાખ લીટરની ક્ષમતાનો સંપ, રૂા. ૭૯ હજારના ખર્ચે પંપ રૂમ, રૂા. ૧ લાખથી વધુના ખર્ચે ૭૦ ઘરોમાં નળ જોડાણ, રૂા. ૩૯ હજારના ખર્ચે ૧૫ હોર્સ પાવરની પમ્પીંગ મશીનરી, લાઇટ કનેકશન તથા અન્ય આનુષાંગિક માળખાકીય કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ગામના સરપંચ અને પાણી સમિતીના અધ્યક્ષ જમનાબેન હમીરભાઇ સરીયા, પ્રાંત અધિકારી ગલચર, મામલતદાર ઝાલા, તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો, વાસ્મોના યુનીટ મેનેજર પી.એન. ત્રિવેદી, ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર સંજયભાઇ પાનસુરીયા, આસી. કો-ઓર્ડીનેટર વિપુલભાઇ ડેરવાણીયા તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.