ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
આવતીકાલ તા. 26 ને બુધવારે મહાશિવરાત્રિનો પર્વ છે આથી હિંદુ ધર્મના લોકો શિવમય બનવા માટે થનગની રહ્યાં છે ત્યારે રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ૐ કાલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. મહાશિવરાત્રિ દરમિયાન શિવ મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોય છે ત્યારે ભક્તોની સુવિધા માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તાર (શીતલ પાર્ક ચોક, પુરુષાર્થ સ્કૂલની સામે) આવેલા ૐ કાલેશ્ર્વર મહાદેવ મંદિરમાં છેલ્લા ઘણાં વર્ષોથી શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે. ડી. રઘુવંશી (કાછેલા ધવલ)એ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે મહાશિવરાત્રિ ઉપરાંત દર વર્ષે સંગઠન દ્વારા દશેરાના દિવસે રઘુવંશી શસ્ત્રપૂજન, 22 જાન્યુઆરી હિંદુ હૃદયસમ્રાટ વીર રાણા જશરાજજીના શૌર્ય દિન નિમિત્તે મહારક્તદાન કેમ્પ, હિંદુ સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે સર્વે જ્ઞાતિ મહાપ્રસાદ વગેરે સામાજિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
- Advertisement -
સંગઠનના વોર્ડ નંબર 1, 2, 3ના વોર્ડ સંયોજક કિશનભાઈ ઉનડકટએ જણાવેલું છે કે આ આયોજનમાં બપોરે 12 વાગે આરતી તથા ભાંગના પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે તથા સાંજે 7 વાગ્યે આરતી તથા ફરાળના પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના હોદ્દેદારો તથા વોર્ડ નંબર 1માં રહેતાં તમામ સંગઠનના સભ્યોએ જહેમત ઉઠાવી છે.



