વોર્ડ નં. 2નાં બાકીનાં બે ઢબુના ઢ કોર્પોરેટર ઘરમાં બેસી રહ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં વોર્ડ નં. 2નાં કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટિનાં સભ્ય મનીષ રાડિયા પોતાનાં 108 જેવા અભિગમ માટે જાણીતા છે. માત્ર પોતાનાં વોર્ડમાં જ નહીં, રાજકોટમાં જ્યાં-જ્યાં સંકટ ઉભું થાય ત્યાં મદદ માટે તેઓ પળભરમાં ધસી જાય છે. આ વર્ષે રાજકોટમાં મુશળધાર વરસાદ વરસ્યો અને અનેક નાગરિકો પર સંકટ આવ્યું ત્યારે મનીષ રાડિયા ત્યાં મદદ્દાર્થે પહોંચી ગયા, આજે પણ પહોંચી જાય છે.
- Advertisement -
આજે સવારે ફરી એક આવો જ બનાવ બન્યો હતો. શહેર ભાજપનાં મંત્રી માધવ દવેનાં ઘર પાસે આજે સવારે પોણા સાત વાગ્યે અચાનક જ લીમડાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. બે થાંભલા પણ તૂટી ગયા હતાં અને ઈલેક્ટ્રિક વાયર ચાલુ હતો, બીજી તરફ સ્કૂલનો સમય હતો. કાળજી રાખવામાં ન આવે તો મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ હતી.
માધવ દવેએ નિષ્ઠાવંત, કાર્યદક્ષ કોર્પોરેટર મનીષ રાડિયાને તત્કાળ ફોન કર્યો. કદાચ એમને પણ ખ્યાલ હશે કે, બાકીનાં બેય કોર્પોરેટર કશું જ ઉકાળી શકશે નહીં. મનીષ રાડિયાએ 5-જીની સ્પીડે ચક્રો ગતિમાન કર્યાં. તેમનાં પ્રયાસથી ફક્ત 10 મિનિટમાં પી.જી.વી.સી.એલ.ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. તરત જ મનીષ રાડિયા પણ રૂબરૂ પહોંચી ગયા. તત્કાળ કાર્યવાહી ચાલુ કરાવીને તેમણે ગણતરીની ક્ષણોમાં આખી સમસ્યા ઉકેલી નાંખી. લોકસેવક મનીષ રાડિયાની આવી કાર્યદક્ષતા નિહાળીને વિસ્તારનાં રહેવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા અને તેમનો ખૂબ આભાર માન્યો તથા ધન્યવાદ પાઠવ્યા. આમ, વોર્ડ નં. 2માં કમસેકમ એક કોર્પોરેટર તો લોકોનાં કાર્યો કરી જ રહ્યાં છે અને મનીષ રાડિયા એકે હજારા છે.