આરોપી પાસેથી તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ મળી આવી
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીના રોહિણી વિસ્તારમાં સ્પેશિયલ સેલે ગુરુવારે સવારે ઓપરેશન કરી ઘણા કેસોમાં ફરાર એક કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી લીધી છે. આરોપી પાસેથી પોલીસે હથિયાર જપ્ત કરી લીધા છે. પોલીસ અનુસાર પકડાઈ ગયેલા કોન્ટ્રાક્ટ કિલર વિરુદ્ધ 12થી વધુ કેસ નોંધાયા છે અને પોલીસ કેટલાંક સમયથી તેની ધરપકડ કરવા માગતી હતી.
- Advertisement -
પોલીસ પ્રમાણે બાઈક સવાર આરોપીને પોલીસે આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું પરંતુ તેણે પોલીસની ટીમ પર ગોળીબારી શરુ કરી દીધી ત્યાર બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે જવાબી કાર્યવાહી શરુ કરી દીધી. આરોપીને પગ પર ગોળી મારી પકડી લેવામાં આવ્યો હતો.
એન્કાઉન્ટરમાં પકડાયેલો ગુનેગાર કામિલ કોન્ટ્રાક્ટ કિલર છે. તે દિલ્હીમાં અનેક હત્યાઓમાં સામેલ છે. તેની પાસેથી તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ મળી આવી છે. તેણે આ પિસ્તોલથી સ્પેશિયલ સેલના અધિકારીઓ પર ફાયરિંગ કર્યું હતું. દિલ્હી પોલીસ પ્રમાણે સ્પેશિયલ સેલની ટીમે રોહિણી સેક્ટર 29-30 વચ્ચે ઘર્ષણ પછી કોન્ટ્રાક્ટ કિલર કામિલને ઝડપ્યો છે. તે જામા મસ્જિદ વિસ્તારમાં થયેલી હત્યાના કાવતરામાં સામેલ હતો.



