ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આવેલા વઘાસિયા ટોલનાકા નજીક ૠઈંઉઈમાં આવેલી એક સિરામિક ફેક્ટરીમાં ગઈકાલે મોડી રાત્રે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે વાંકાનેર ઉપરાંત મોરબી અને રાજકોટથી પણ ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવી પડી હતી.
વઘાસિયા ટોલનાકા પાસે આવેલા એક્વાટોપ સિરામિક નામના સેનિટરી વેરના કારખાનામાં લાગેલી આ આગે થોડા જ સમયમાં બેકાબૂ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જાણ થતા જ વાંકાનેર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આગની ગંભીરતા જોતા મોરબી અને રાજકોટથી પણ ફાયર બ્રિગેડની ટીમોને મેજર કોલ આપી બોલાવવામાં આવી હતી. અનેક ફાયર ફાયટરોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
- Advertisement -
આ ભીષણ આગને કારણે ફેક્ટરીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી અને તપાસ ચાલુ છે.