લીમડી, ધ્રાંગધ્રા, પાટડી અને લખતર ખાતે આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવતા 5 જૂનને ધ્યાને રાખી વિવિધ કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 5 જૂન સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ-2025’ ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે લીંબડી, ધ્રાંગધ્રા, લખતર અને પાટડી શહેરમાં એક વિશેષ વોકાથોન અને સાયકલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકાથોનમાં વિવિધ રમતોના કોચ, વ્યાયામ શિક્ષક અને રમતવીરો દ્વારા શહેરોના વિવિધ માર્ગો પર સાયકલીંગ અને વોકિંગ કરી ‘પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવો અને પર્યાવરણની જાળવણી’નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ વોકાથોન મારફત નાગરિકોને સિંગલ યુઝ પ્લાસિકની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. સાથે જ વોકાથોનમાં સામેલ તમામ લોકોને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.