સુરત, અમદાવાદ, ભાવનગર, વડોદરામાં મોટો ઘટાડો; રાજકોટ, અમરેલી, જામનગર, સહીતના સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં જીલ્લામાં પણ મતદારો ઘટયા
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં મતદારોની સંખ્યામાં 3.30 લાખનો ઘટાડો થયો હોવાની રસપ્રદ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સુરત, અમદાવાદ, ભાવનગર, સહીતના શહેર-જીલ્લાઓમાં મતદારો ઓછા થયા છે.
- Advertisement -
રાજયમાં 2022 ની વિધાનસભા ચૂંટણી વખતે 4.91 કરોડ મતદારો હતા તે હવે 4.88 કરોડથી પણ ઓછા થયા છે. 3.3 લાખનો ઘટાડો છે તેમાં 1.82 લાખ પુરૂષ મતદારો તથા 1.48 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. મતદારોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો શહેરી વિસ્તારોમાં છે.સુરત, અમદાવાદ, વડોદરા તથા ભાવનગર જેવા ચાર શહેરમાં જ 2.04 લાખ મતદારો ઘટયા છે.
આગામી વર્ષે યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી પુર્વે હાથ ધરાયેલી મતદાર યાદી કાર્યક્રમમાં આ ટ્રેંડ માલુમ પડયો છે. મોટા શહેરોમાં મતદારો ઘટયા હોવા છતાં આઠ જીલ્લાઓમાં મતદારોની સંખ્યામાં 633 થી 16255 નો વધારો થયો છે તેમાં દાહોદ, બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, ડાંગ, મહીસાગર, સાબરકાંઠા તથા પટણાનો સમાવેશ થાય છે.
સરકારી સુત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં સ્થાયી થયા બાદ વતન વાપસીને કારણે મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે.કોરોનાકાળ વખતે હિજરત કરી ગયેલા સેંકડો લોકો પરત ફર્યા નથી તે પણ સૂચક છે. કોરોના ખત્મ થયા બાદ વતનની વાટ પકડી લેનારા લોકો પરત આવશે તેઓ આશાવાદ હતો.પરંતુ આ લોકોએ વતનમાં જ રહેવાનું નકકી કરી લીધુ હોવાનું સ્પષ્ટ થાય છે. આદિવાસી વિસ્તારોમાં હિજરતીઓની સંખ્યામાં ટ્રેન્ડ રસપ્રદ છે.
- Advertisement -
રાજયમાં સૌથી વધુ 91580 મતદારો સુરતમાં ઓછા થયા છે. અમદાવાદમાં આ સંખ્યા 64459 ભાવનગરમાં 24625, વડોદરામાં 23148 તથા આણંદમાં 22055 ની છે. આ સિવાય અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ જેવા સૌરાષ્ટ્રનાં શહેર-જીલ્લામાં પણ મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે.
ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથીએ કહ્યું કે ચૂંટણી મતદાર યાદી કાર્યક્રમ પ્રક્રિયા ચાલી જ રહી છે. નવા મતદારોના ફોર્મ ભરાયા છે. એટલે મતદાર યાદીમાં ઉમેરો થશે. મતદારોની ઘટેલી સંખ્યા લોકોના અવસાન તથા હિજરતને કારણે છે. જાન્યુઆરી 2024 માં મતદારોની આખરી સંખ્યા સામે આવશે.
રાજયનાં મોટાભાગનાં શહેર-જીલ્લામાં મતદારો ઘટયા છે.ત્યારે દાહોદમાં 162855, બનાસકાંઠામાં 12413, વલસાડમાં 5994 સુરેન્દ્રનગરમાં 4031 ડાંગમાં 1104 મતદારોનો ઉમેરો થયો છે.