ટંકારા પડધરી વિસ્તારના અનેક પ્રશ્નો ક્યા પક્ષને ભરખી જશે?
ભાજપના ધારાસભ્યો પણ તેમના કાર્યકાળ દરમિયાન પ્રજાલક્ષી કાર્યોમાં નિષ્ફળ, ટંકારામાં વિકાસના નામે મીંડું !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભા ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીના જંગમાં ઝંપલાવતા ત્રિપાંખિયો જંગ ખેલાય તો નવાઈ નથી ત્યારે મોરબીની 66 ટંકારા પડધરી વિધાનસભા બેઠકની વાત કરીએ તો ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાજપમાંથી દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસમાંથી લલિત કગથરા અને આમ આદમી પાર્ટીમાંથી સંજય ભટ્ટાસણા વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનો છે તો ટંકારા પડધરી બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ ત્રણેય પાર્ટીએ પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.
આ ઉપરાંત અહીંના અનેક સ્થાનિક પ્રશ્નોને લઇને મતદારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે અને 2017ની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનના સહારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા લલિત કગથરાએ પણ ખાસ્સા પ્રજાના કામો કર્યા ન હોય તેની સામે પણ મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે મતદારો ટંકારા પડધરી બેઠક પર ધારાસભ્યનો તાજ કોને પહેરાવશે તે તો આગામી સમયમાં જ નક્કી થશે !
ટંકારા પડધરી બેઠકનું જ્ઞાતિ આધારીત સમીકરણ, પાટીદાર સમાજ નિર્ણાયક
66 ટંકારા-પડધરી વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારોનો દબદબો છે જ્યાં કુલ 2.49 લાખ મતદારોમાંથી 1.40 લાખ જેટલા પાટીદાર મતદારો છે જેમાં 90 હજાર કડવા પાટીદાર અને 50 હજાર લેઉવા પાટીદાર મતદારો છે. આ ઉપરાંત અનુ. જાતીના 20 હજાર, ક્ષત્રીયના 17 હજાર, મુસ્લિમ સમાજના 15 હજાર, 15 હજાર માલધારી, 12 હજાર સવર્ણો (બ્રાહ્મણ, લોહાણા, જૈન) અને કોળી સમાજના 12 હજાર મતદારો ચુંટણી જંગમાં નિર્ણાયક છે જોકે પાટીદાર સમાજનું મતદાન સૌથી વધુ હોવાથી પાટીદારોનો ઝોક જે તરફ રહે તે જ વિજેતા બનશે તે નક્કી છે.
- Advertisement -
ભાજપના ગઢમાં પાટીદાર આંદોલને 2017માં ગાબડું પાડ્યું !
ટંકારા વિધાનસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવતો હતો જ્યાં વર્ષ 1995 થી 2012 સુધી સતત મોહનભાઈ કુંડારીયાએ ધારાસભ્ય રહીને અહીં દબદબો જાળવી રાખ્યો હતો અને મોહનભાઈ કુંડારિયા વર્ષ 2014 માં સાંસદ બનતા પેટા ચુંટણી યોજાઈ હતી જેમાં પણ ભાજપના બાવનજીભાઈ મેતલીયા વિજેતા બન્યા હતા અને 2017 સુધી ટંકારા બેઠક ભાજપે જાળવી રાખી હતી પરંતુ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી ટંકારા બેઠક ભાજપે વર્ષ 2017 માં ગુમાવી હતી. પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરને પગલે ભાજપના રાઘવજીભાઈ ગડારા વર્ષ 2017 ની ચુંટણી હારી ગયા હતા અને કોંગ્રેસના લલીતભાઈ કગથરા 29,770 મતની ભવ્ય લીડથી વિજેતા બન્યા હતા.
ટંકારા પડધરી વિસ્તારમાં અનેક પ્રશ્નોને લઈને મતદારોમાં અસંતોષ !
ટંકારા તાલુકા મથક હોવા છતાં ટંકારાને અત્યાર સુધીના એકેય ભાજપ કે કોંગ્રેસના ધારાસભ્યો નગરપાલિકા અપાવી શક્યા નથી અને ટંકારા હજુ ગ્રામ પંચાયત જ છે જેથી અહીંનો વિકાસ રૂંધાયો છે તો વર્ષો બાદ ટંકારામાં બસ સ્ટેન્ડ બન્યું છે પરંતુ ઓવરબ્રિજ હોવાથી બસો બસ સ્ટેન્ડમાં આવતી ના હોય મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે તો મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારાને યાત્રાધામ વિકાસમાં સામેલ તો કરાયું છે પરંતુ હજુ પણ પ્રવાસન ક્ષેત્રે એટલો વિકાસ જોવા મળતો નથી. આ ઉપરાંત ટંકારા પંથકમાં આ સિવાયના સિંચાઈ અને ખેતીના પ્રશ્નોથી પણ ખેડૂતો આગબબુલા છે જેથી આ વખતે ટંકારા પડધરી બેઠક પર કોને ધારાસભ્ય બનાવવા તે તો ટંકારા પડધરીના મતદારોના હાથમાં જ છે.