ખાસ-ખબર ન્યૂઝ બરડા
વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવન અભયારણ્ય ખાતે એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બરડા વિસ્તારના માલધારીઓ માટે ‘સ્વૈચ્છિક સ્થળાંતર યોજના’નો શુભારંભ કરાવ્યો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અભયારણ્યમાં રહેતા માલધારીઓને સુરક્ષિત અને સુવિધાસભર વિસ્તારોમાં સ્થળાંતર માટે પ્રોત્સાહિત કરવાનો છે.
- Advertisement -
આ પ્રસંગે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ યોજના માત્ર પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે જ નહીં, પરંતુ માલધારીઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે પણ એક માઈલસ્ટોન સાબિત થશે.” સરકારના મતે, આ યોજનાથી બરડા વિસ્તારમાં સિંહો અને અન્ય વન્યજીવોના આવાસનું વધુ સારી રીતે સંરક્ષણ થઈ શકશે. સ્થળાંતર કરનાર પરિવારોને ઘર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને રોજગાર માટે જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના માનવ-વન્યજીવન અથડામણની ઘટનાઓ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.