સુરત ટ્રીપ મારીને પરત આવતી વેળાએ લાવી છૂટક વેચે તે પૂર્વે જ પકડી પાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ જેતપુર, તા.24
જેતપુરના ખારચિયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિસાવદરના મોટા કોટડા ગામનો બસ ચાલક ખાનગી બસની સુરત ટ્રીપ મારવા ગયો હતો અને ત્યાંથી ગાંજાનો જથ્થો લઈ આવી છૂટકમાં વેંચાણ કરે તે પહેલાં રસ્તામાં જ એસઓજીની ટીમે 2 કિલો ગાંજા સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી હિમકર સિંહ દ્રારા રાજયમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય. તેમજ તેની હેરા-ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના સેવનને વધતો અટકાવવા માટે ગેરકાયદેસર માદક- પદાર્થ રાખી હેરાફેરી કે, વેચાણ કરતા શખ્સો ઉપર વોચ રાખી તેની પર કાયદેસર કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ અને વિરરાજ ધાધલને અલ્કેશ કાંતી સાવલીયા (રહે, મોટા કોટડા, વિસાવદર) જે પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી જેતપુર-વિસાવદર રોડ, ખારચીયા ગામના બસસ્ટેન્ડની આજુ બાજુ આંટા ફેરા કરતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજી સ્ટાફે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ તેનું નામ પૂછતાં અલ્કેશ ઉર્ફે પિન્ટૂ કાંતી સાવલીયા ઉ.30 હોવાનું જણાવ્યું હતું એસઓજીની ટીમે તેની પાસેથી ગાંજો 1 કિલો 981 ગ્રામ રૂ.19810 અને એક મોબાઈલ મળી કુલ રૂ.24810 નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ આદરી હતી પ્રાથમિક તપાસમાં પકડાયેલ શખ્સ અલગ અલગ ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે અને પોતે ટ્રાવેલ્સ લઈ સુરત ગયાં બાદ ત્યાંથી ગાંજાનો જથ્થો લીધો હતો અને તે પોતાના ગામ મોટા કોટડામાં લઇ આવી છૂટકમાં વેંચવાનો હતો. પોતે પણ ગાંજો પીવાનો શોખીન હોવાનું સામે આવ્યું છે.