અમેરિકાની સરકાર હવે વિઝા અરજદારોની ખૂબ ઊંડી તપાસ કરે છે, જેમાં દસ્તાવેજો, બેન્ક એકાઉન્ટ ઉપરાંત WhatsApp મેસેજીસ તપાસવામાં આવે છે
અમેરિકાના નોન ઈમિગ્રન્ટ ક્ષેણીના જે વિઝા ઘડવામાં આવ્યા છે. એ વિઝા ઉપર તમે જે પ્રકારના વિઝા મેળવ્યા હોય એની હેઠળ જે કાર્ય કરવાની છૂટ હોય એ જ કાર્ય કરવાનું રહે છે. પણ મોટાભાગના નોન ઈમિગ્રન્ટ વિઝા ધારકો આ જે નોન ઈમિગ્રન્ટ વિઝાની શરત છે એનું પાલન નથી કરતાં.
બી-1 એટલે કે બિઝનેસ વિઝા ઉપર તમે અમેરિકામાં જઈને બિઝનેસને લગતી વાટાઘાટો કરી શકો છો, પ્રદર્શનમાં ભાગ લઈ શકો છો, કોન્ફરન્સ અટેન્ડ કરી શકો છો. જો લિમિટેડ કંપની હોય અને તમે એના ડિરેક્ટર હોવ તો એની બોર્ડ મિટિંગમાં પણ તમે હાજરી આપી શકો છો. પણ તમે એક્ચુઅલ ખરા અર્થમાં ત્યાં બિઝનેસ કરી નથી શકતા.
આમ છતાં અનેક પરદેશીઓ બી-1 વિઝા ઉપર અમેરિકામાં જાય છે. ત્યાં છ-છ મહિના રહે છે. અમુક લોકો પછી અરજી કરીને બીજા છ મહિના લંબાવે છે. અને એક વર્ષ ત્યાં રહે છે. એ સમય દરમિયાન તેઓ ખરેખર ત્યાં બિઝનેસ કરે છે. આ ખૂબ ખોટું છે.
બી-2 વિઝા જે પર્યટકો માટેના છે, ટુરિસ્ટો માટેના છે એના ઉપર તમારે અમેરિકામાં ફક્ત ફરવા જવાનું હોય છે. ત્યાંના જોવાલાયક સ્થળો જોવાના હોય છે. તમારા અંગત સગાં હોય, મિત્રો હોય તો એમને મળવાનું હોય છે. તમે શોપિંગ કરી શકો છો. માંદા હોવ તો મેડિકલ ટ્રીટમેન્ટ પણ લઈ શકો છો. પણ તમે ત્યાં બી-2 એટલે કે વિઝિટર્સ વિઝા ઉપર કામ કરી નથી શકતા. અને બી-2 વિઝા ધારકો અમેરિકામાં જાય છે અને એમના સગાંવહાલાંને ત્યાં કે પછી ત્યાંની જે મોટેલો હોય, હોટેલો હોય, ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ હોય, ગેસ સ્ટેશન હોય, લીકર સ્ટોર હોય એ બધામાં ગેરકાયદેસર કામ કરે છે. એ લોકો પણ ઘણી વાર એમની ત્યાં છ મહિના રહેવાની મુદત આપવામાં આવી હોય છે એ અરજી કરીને લંબાવીને એક વર્ષ સુધી ત્યાં રહે છે અને ગેરકાયદેસર કામ કરે છે. અનેક માતાઓ એમની દીકરી યા વહુ જ્યારે સગર્ભા હોય છે ત્યારે અમેરિકામાં જઈને એમના બાળકને ઉછેરે છે. આ તો સામાન્ય વાત છે. પણ આ ખોટું છે. આથી જ એ લોકો એમના બી-2 વિઝાનું ઉલ્લંધન કરતા હોય છે.
સ્ટુડન્ટ વિઝા જેની સંજ્ઞા એફ-1, એમ-1 યા જે-1 છે. એની ઉપર તમે અમેરિકામાં ફક્ત અને ફક્ત અભ્યાસ જ કરી શકો છો. હા, યુનિવર્સિટીના કેમ્પસ પર તમને કામ કરવાનો અવસર પ્રાપ્ત થાય તો અઠવાડિયાના વીસ કલાક યુનિવર્સિટી કેમ્પસ ઉપર કામ કરી શકો છો. પણ મોટાભાગના વિદ્યાર્થી જેઑ એફ-1, એમ-1 યા જે-1 વિઝા ઉપર અમેરિકામાં હોય છે તેઓ એમાં કોલેજના સમય પછી કે ત્યાં વેકેશન પડે એમાં કે શનિ-રવિની રજામાં ગેરકાયદેસર કામ કરતા હોય છે. આ પણ બહુ ખોટું કાર્ય છે.
એચ-1બી વિઝા ઉપે તમને જે કંપનીએ સ્પોન્સર કર્યા હોય જે કંપનીએ તમારા લાભ માટે એચ-1બી વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય એમાં જ તમે કામ કરી શકો છો. પણ અનેકો જેઓ એચ-1બી વિઝા ઉપર અમેરિકામાં જાય છે તેઓ જે કંપનીએ એમને સ્પોન્સર કર્યા હોય એમને ત્યાં તો કામ કરે છે. પછી પાર્ટટાઈમ બીજી કંપનીઓમાં કામ કરે છે.
આંતર કંપની ટ્રાન્સફરી એલ-1 વિઝા ઉપર અમેરિકા જનારા અનેકો જ્યારે વિઝા મેળવવાના હોય છે ત્યારે ઘણું બધું ખોટું કરે છે. એમના પોતાના દેશમાં પોતાનો બિઝનેસ ચાલતો ન હોય એમ છતાં ધમધોખાર અમારો બિઝનેસ ચાલે છે. એવું તેઓ દેખાડે છે. ખોટા આઈટી રિટર્ન દેખાડે છે, ખોટા બેન્ક સ્ટેટમેન્ટ દેખાડે છે. પછી અમેરિકામાં પ્રવેશીને ત્યાં કામ કરે છે.
આર-1 વિઝા જે ધર્મગુરુઓ માટે છે. એની ઉપર અનેકો અમેરિકામાં જઈને ધર્મનું કામ નહીં, ધર્મ સંસ્થાઓમાં કામ નહીં પણ અન્ય કામ કરતા હોય છે. અરે કડિયા, સુથાર, લુહાર આ લોકો પણ આર-1 વિઝા ઉપર અમે ધર્મનું કામ કરવા જઈએ છીએ એવું જણાવીને અમેરિકામાં પ્રવેશે છે અને પછી ત્યાં બીજું કામ કરે છે.
એટલે આવું ખોટું ખૂબ ખૂબ લોકો કરે છે. અને આ કારણસર જ અમેરિકાની સરકાર હવેથી ખૂબ જ કડક વલણ અખત્યાર કરતી થઈ ગઈ છે. જેઓ જરા કંઈ પણ ખોટું કરતા જણાય તો પછી એમને વિઝા કેન્સલ કરી અમેરિકા બહાર મોકલી આપે છે. જે લોકોએ આવા વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ મેળવ્યો હોય અને પછી થોડો સમય માટે સ્વદેશ પાછા ગયા હોય કોઈને મળવા કે રજા ગાળવા પછી પાછા ફરતા હોય એ વિઝા ઉપર ત્યારે એમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નથી આવતા.
આમ પરદેશીઓ નોન ઈમિગ્રન્ટ વિઝાનું ઉલ્લંઘન કરે છે. નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર જે કરવાનું હોય એ ઉપરાંત બીજા કાર્યો કરે છે આથી તેઓ એમના વિઝાના કાયદાઓનું ઉલ્લંઘન કરે છે અને એથી જ અમેરિકાની સરકાર હવે જે લોકો વિઝાની અરજી કરતા હોય છે અને વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશતા હોય છે એમની ખૂબ ઊંડી તપાસ કરે છે. સવાલજવાબ તો કરે જ છે. એમના દસ્તાવેજો જુએ છે, બેન્ક એકાઉન્ટ જુએ છે. અને એમની રહેણીકહેણી તપાસે છે. એ લોકોના મોબાઈલમાં વોટ્સએપ પર શું મેસેજીસો આવેલા છે આ બધું ઝીણવટભરી રીતે તપાસે છે. અને જેઓ ખોટું કામ કરતા જણાય છે કે પકડાય છે એમને અમેરિકામાં પ્રવેશ નથી આપતા અને જો પ્રવેશ પહેલા આપ્યો હોય તો એમને અમેરિકાની બહાર કાઢી મૂકે છે. એમના વિઝા કેન્સલ કરે છે.
આવું તો બધા જ કરે છે. એવું કહીને અનેકો આવું જ ખોટું કરતા હોય છે. કોઈ બીજી વ્યક્તિ ખોટું કરતી હોય અને એના નસીબના કારણે એ પકડાઈ ન હોય એટલે તમારે ખોટું કરવું જોઈએ, તમે ખોટું કરશો તો પકડાશો નહીં. આવું તો બધા જ કરે છે એવું વિચારીને તમે ખોટું કામ કરતા નહીં. નહીં તો પછી તમારા વિઝા કેન્સલ થશે. તમારા વિઝાની અરજી નકારવામાં આવશે. તમારી ઉપર પાંચ યા દસ વર્ષ યા પછી પરમેનન્ટ અમેરિકામાં કોઈ પણ વિઝા ઉપર પ્રવેશ ન આપવો એવો બાન પણ લાગી શકે છે.
તો ખાસ ખબરના વાચકો બધા જ આવું કરે છે. એવું વિચારીને તમે પણ આવું ખોટું નહીં કરતા.
- Advertisement -