આ વાયરસ નવો નથી, 23 વર્ષ જૂનો છે…
HMPV વાયરસ સામે લડવા રાજકોટ સિવિલ હૉસ્પિટલ સજ્જ
- Advertisement -
સિવિલ હૉસ્પિટલમાં ઑક્સિજન અને વેન્ટિલેટર સાથેના બૅડ તૈયાર રખાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV)ના પ્રકોપની ઘટનાઓ સતત વધી રહી છે. ગુજરાતમાં અને ભારતમાં પણ આ વાયરસના કેસો સામે આવવા લાગ્યા છે. ત્યારે કોરોના બાદ ઝડપથી ફેલાઈ રહેલા આ વાયરસ વિશે મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ વિગતો આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટમાં ઇંખઙટ વાયરસનો કોઈ કેસ આવ્યો નથી. વાયરસનાં લક્ષણો સામાન્ય ફલૂ જેવા હોય છે. અને નાના બાળકો અને વયોવૃદ્ધ લોકોમાં વધુ જોવા મળે છે. જોકે લોકોએ ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ ચીનમાં મેટાન્યુમોવાઈરસ (HMPV)નાં કેસો વધી રહ્યા છે. જોકે રાજકોટમાં આ વાયરસનો કોઈ કેસ હજુસુધી સામે આવ્યો નથી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સિનિયર અધિકારી ડો. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે એચ.એમ.પી.વી વાયરસને અનુષંધાને નવી એમ.સી. એચ.બિલ્ડીંગમાં એચ.ડી.યુ વિભાગ ખાતે 10 ઑક્સીજન અને વેન્ટિલેટર સાથે બેડ તૈયાર કરીને રિજર્વ રાખવામા આવેલ છે. જરૂર પડ્યે વધુ બેડની જરૂરિયાત ઊભી થાય તો તુરંત પહોચી વળવા માટે વધારાની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. એચ.એમ.પી.વી વાયરસ માટેની ટેસ્ટ હોસ્પીટલમાં જ થઈ શકે તે માટે જરૂરી કીટની ખરીદી અને બીજી અનુષંગીક પ્રક્રિયા કરવામાં આવી છે.
- Advertisement -
વાયરસના લક્ષણો?
આ વાયરસમાં સામાન્ય શરદી જેવા લક્ષણો હોય છે. પરંતુ વાયરસની તીવ્રતા જે-તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઉપર આધારિત રહે છે. આમ કોઈપણ વ્યકતીને આ વાયરસનું ઇન્ફેક્શન લાગી શકે છે. પરંતુ 0થી 5 વર્ષનાં બાળકો તેમજ વૃદ્ધ લોકોમાં આ વાયરસની વધુ અસર જોવા મળી છે. જોકે આ વાયરસથી લોકોએ ડરવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. જેમાં સામાન્ય શરદી-ઉધરસ જેવા લક્ષણો જણાય તો પણ તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.
શું સાવચેતી રાખવી ?
HMPV સહિતના કોઈપણ વાયરસનાં ઇન્ફેક્શનથી બચવા જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું જોઈએ. ઉપરાંત નિયમિત રીતે હાથ સાબુ-પાણીથી ધોવાં કે સેનેટાઈઝ કરવા જોઈએ. તેમજ ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું જોઈએ. ઉપરાંત વધુ પાણી પીવાનું અને પૌષ્ટિક ખોરાક સહિત પૂરતી ઊંઘ લેવી જરૂરી હોય છે. સાથે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું પણ જોઈએ. તેમજ શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં સંપર્ક મર્યાદિત કરી તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.



