ધજા, પતાકા અને રોશનીથી ગોકુળિયું ગામ બન્યું : 300થી વધુ સ્વયંસેવકો સેવામાં જોડાશે
‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ ના જીવનમંત્ર સાથે 29 ઓક્ટોબરે કારતક સુદ સાતમે જલારામ જયંતિ ઉજવાશે
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ પૂજ્ય જલારામબાપાની આગામી તા. 29 ઓક્ટોબર, બુધવારના રોજ આવતી 226મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. ’જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ ના જીવનમંત્ર સાથે આજે 206 વર્ષે પણ જેનું સદાવ્રત અવિરત ચાલુ છે, તેવા બાપાની જન્મ જયંતિને લઈને ભાવિકોમાં અત્યારથી જ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કિડિયારાની જેમ ભીડ ઉમટી પડી છે.
સમગ્ર વીરપુર શણગારાયું: દિવાળી પર્વ અને ત્યારબાદ તરત જ જલારામ જયંતી આવતી હોવાથી યાત્રાળુઓનો ઘસારો બમણો થયો છે. બાપાની જન્મજયંતિની ઉજવણી માટે વીરપુરના વેપારીઓ અને અલગ અલગ મિત્ર મંડળો દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા, ઠેર ઠેર કમાનો લગાવીને તેમજ રોશનીથી ઝળહળતું કરીને ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું છે. સ્વયંસેવકો દ્વારા તા. 29 ઓક્ટોબરના મુખ્ય કાર્યક્રમોની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
300થી વધુ સ્વયંસેવકો ખડે પગે: સ્વયંસેવક કમિટિના સુભાષભાઈ જોષીના જણાવ્યા મુજબ, બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા લાખો ભાવિકો વ્યવસ્થિત રીતે દર્શન, ભોજન પ્રસાદ અને અન્ય સુવિધાઓ મેળવી શકે તે માટે 300થી વધુ સ્વયંસેવકો જગ્યામાં, ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહેશે.
રાસ-ગરબા અને શોભાયાત્રાનું આયોજન: શોભાયાત્રા આયોજક રવિ ગોટેચાએ માહિતી આપી હતી કે, પૂજ્ય જલારામ બાપાની જયંતિની આગલી રાત્રે એટલે કે તા. 28 ઓક્ટોબરે રાતે ધર્મશાળા રોડ પર નમ્રતા હોટેલની બાજુના ગ્રાઉન્ડમાં વિનામૂલ્યે મહિલાઓ માટે ભવ્ય રાસ ગરબા યોજાશે, તેમજ રાત્રે 12 વાગ્યે પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવશે. જયંતિના દિવસે સમસ્ત ગ્રામજનો દ્વારા પૂજ્ય જલાબાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ સાથેની ભવ્ય શોભાયાત્રા મીનળવાવ ચોકથી શહેરના વિવિધ રસ્તાઓ પર નીકળશે. આ શોભાયાત્રામાં વીરપુરની ગરબી મંડળની બાળાઓ રાસ ગરબા રમશે અને ભાવિકોને 226 કિલો જેટલો બુંદી-ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે.



