ટ્રમ્પની ધમકી બાદ એરપોર્ટ, ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ 10 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ગુરુવારે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી. ઈગગના રિપોર્ટ અનુસાર, દેશભરમાં 100થી વધુ શહેરોમાં પ્રદર્શનો થયા છે. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા, આગ લગાડી. લોકોએ ‘ખામેનેઈને મોત’ અને ‘ઇસ્લામિક રિપબ્લિકનો અંત થયો’ જેવા નારા લગાવ્યા. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીના સમર્થનમાં રહ્યા. તેઓ ‘આ છેલ્લી લડાઈ છે, શાહ પહેલવી પાછા ફરશે’ના નારા લગાવી રહ્યા હતા.
અમેરિકી હ્યુમન રાઇટ્સ એજન્સી અનુસાર, પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 45 લોકો માર્યા ગયા છે, જેમાં 8 બાળકોનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી. જ્યારે 2,270થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકોનું સમર્થન કરતા કહ્યું કે જો તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે છોડીશું નહીં. ત્યારબાદ દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, તેહરાન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે.
આ અશાંતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી ધમકી આપી છે કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો અમેરિકા ઈરાન પર હુમલો કરશે. ટ્રમ્પે કહ્યું, મેં તેમને કહી દીધું છે કે જો તેઓ લોકોને મારવાનું શરૂ કરશે, જેવું કે તેઓ તેમના રમખાણોમાં અવારનવાર કરે છે, તો અમે તેમને ખૂબ જ જોરદાર રીતે નિશાન બનાવીશું.
સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો, હોસ્પિટલો પર દરોડા પાડ્યા અને ઘાયલોની ધરપકડ કરી. બીજી તરફ, સરકારી મીડિયાનું કહેવું છે કે 5 સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા અને સેંકડો પોલીસકર્મીઓ ઘાયલ થયા.
તેહરાનમાં બજારો બંધ રહ્યા, વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસ પર કબજો કર્યો. આના તરત જ પછી સરકારે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ અને ફોન લાઇન કાપી નાખી, જેને ઇન્ટરનેટ વોચડોગ નેટબ્લોક્સે હિંસક દમનની તૈયારી ગણાવી. તેમ છતાં કેટલાક લોકો સ્ટારલિંક જેવી પદ્ધતિઓથી વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.
ગુરુવારે પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા જ્યારે દેશનિકાલ કરાયેલા રાજકુમાર રેઝા પહેલવીએ લોકોને રસ્તાઓ પર ઉતરવા અપીલ કરી. રેઝા પહેલવી ઇરાનના છેલ્લા શાહ મોહમ્મદ રેઝા પહેલવીના પુત્ર છે. તેમના પિતા 1979ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. યુવરાજ પહેલવી હાલમાં અમેરિકામાં રહી રહ્યા છે.



