રાજસ્થાનના હનુમાનગઢમાં ઇથેનોલ ફેક્ટરી સ્થાપવાનો વિરોધ
ઉશ્કેરાયેલા ખેડૂતોએ ધારાસભ્યનું માથું ફોડી નાખ્યું: ઇન્ટરનેટ બંધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હનુમાનગઢમાં ઇથેનોલ ફેક્ટરી બનાવવા મામલે ચાલી રહેલા વિરોધપ્રદર્શનમાં આજે તણાવ વધવાની આશંકા છે. કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ગુરુવાર સવારથી ખેડૂતોનું પ્રદર્શન સ્થળ નજીકના ગુરુદ્વારામાં પહોંચવાનું શરૂ થઈ ગયું છે. આજે પણ જિલ્લાના ટિબ્બી વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ છે. બુધવારે (10 ડિસેમ્બર) ખેડૂતોએ જિલ્લાના રાઠીખેડા ગામમાં નિર્માણાધીન ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીની દીવાલ તોડી નાખી. ત્યાર બાદ ભડકેલી હિંસામાં ભારે આગચંપી અને પથ્થરમારો થયો હતો. લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડવાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ 14 વાહનને આગ ચાંપી દીધી. કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પુનિયાને પણ લાઠીચાર્જમાં માથામાં ઈજા થઈ છે. હિંસામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે તણાવને કારણે આ વિસ્તારમાં શાળા-કોલેજ અને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યાં છે.
શું છે આખો મામલો?
- Advertisement -
ઇથેનોલ પ્લાન્ટનું નિર્માણ: ચંદીગઢમાં રજિસ્ટર્ડ ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ કંપની રાઠીખેડામાં 40 મેગાવોટનો અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપનીનો દાવો છે કે આ પ્લાન્ટ કેન્દ્રના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઊઇઙ) પ્રોગ્રામને ટેકો આપશે.
કંપનીનું પર્યાવરણીય ક્લિયરન્સ પેન્ડિંગ: કંપનીને પ્લાન્ટ માટે જરૂરી પર્યાવરણીય ક્લિયરન્સ મળ્યું નથી. એની અરજી 2022થી પેન્ડિંગ છે. પર્યાવરણીય મંજૂરી વિના બાંધકામ કાર્ય થવાથી વિસ્તારના ખેડૂતો વિરોધમાં છે.
વિરોધમાં ફેક્ટરીની દીવાલ તોડી: બુધવારે બપોરે ખેડૂતોએ ટિબ્બી એસડીએમ ઓફિસ સામે મોટી સભા કરી. સાંજે લગભગ 4 વાગ્યે સેંકડો ખેડૂતો ટ્રેક્ટર લઈને ફેક્ટરી સાઇટ પર પહોંચી ગયા. દીવાલ તોડી નાખવામાં આવી અને પોલીસ સાથે ઘર્ષણ શરૂ થયું.
ખેડૂત સંગઠનોના નેતાઓએ સમર્થન આપ્યું: કૉંગ્રેસના ધારાસભ્યો બેઠકમાં હાજરી આપશે
કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) સહિત અનેક પક્ષોના નેતાઓએ આંદોલનને સમર્થન આપ્યું છે. બુધવારે યોજાયેલી મહાપંચાયતમાં હરિયાણા અને પંજાબના ખેડૂત સંગઠનોના નેતાઓએ પણ ભાગ લીધો હતો. ટિબ્બી અને રાઠીખેડામાં 1500થી વધુ પોલીસ કર્મચારીઓ, છઅઈ કર્મચારીઓ અને હોમગાર્ડ્સ તહેનાત છે. બજારો ખુલ્લા છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોય તેવું લાગે છે. કોંગ્રેસના ધારાસભ્ય અને શ્રીગંગાનગર જિલ્લા પ્રમુખ રૂપિન્દર કુન્નાર પણ આ બેઠકમાં હાજરી આપશે.



