ઉધોગનું કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઠલવાતા હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે બાયો મેડિકલ વેસ્ટ ઉધોગનો વિવાદ હજુ સમાયો નથી ત્યાં વધુ એક ઉધોગ દ્વારા સોલડી ગામે કેમિકલ યુક્ત પાણીને જમીનમાં ઠલવાતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે આવેલા જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતા ઉધોગ દ્વારા કેમિકલ યુક્ત પાણીને જમીનમાં છોડતા હોવાથી આજુબાજુના ખેતી લાયક જમીનોમાં પાકને નુકશાન થતું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જંતુનાશક દવાઓ બનાવવાના ઉપયોગ છતાં આ ઉધોગની બહાર કોઈ નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું નથી સાથે જ ઉધોગમાં ઉત્પાદન અંગે કોઈપણ પ્રકારના બોર્ડ લગાવવામાં નહીં આવતા GPCBના નિયમોનો ઉલાળિયો થતો નજરે પડે છે. કેમિકલ યુક્ત પાણીને જમીનમાં ઠલવાતા નજીકમાં જ ગ્રામજનોના રહેણાક મકાનો હોવાના લીધે કેમિકલયુક્ત પાણી માનવજીવન અને પશુઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે ત્યારે આ પ્રકારે પ્રદૂષણ ફેલાવતા ઉધોગો સામે ૠઙઈઇ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા ગ્રામજનોની ઉગ્રમાંગ ઉઠવા પામી છે.



