નામ ઠામ વગરની કંપનીના પ્રદૂષણથી સ્થાનિક ખેડૂતો ત્રાહીમામ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાને વિકસાવવા માટે ઉદ્યોગ જરૂરી છે. જેના લીધે ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ સર્જાય તેવા પ્રકારના પ્રયત્નો પણ સતત પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે રહેલી પ્લાયવુડ બનાવતી કંપની દ્વારા જીપીસીબીનાં તમામ નિયમોનું ઉલંઘન કરી રહી હોવાનું સામે આવ્યું છે. જેમાં જેગડવા ગામે આ કંપનીને વર્ષો પુર્વે અહીંના સ્થાનિક દ્વારા નિર્માણ કરાઈ હતી જે બાદ કંપનીને વેચાણ કરી હતી પરંતુ કોઈ કારણોસર ફરીથી ત્રીજી વાર વેચાણ કરેલ પ્લાયવુડ બનાવતી કંપનીમાં પર્યાવરણને જાળવવા માટે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી એટલું જ નહિ જીપીસીબીના નિયમો મુજબ કોઈપણ કંપનીના બહાર પ્રવેશ દ્વાર પર સ્પષ્ટ રીતે સમજી શકાય તે પ્રકારે કંપનીમાં થતી કામગીરી અને તેનું નામ જરૂરી છે
- Advertisement -
પરંતુ જેગડવા ગામે ચાલતી નામ ઠામ વગરની કંપની ક્યાંય સરકારી રેકર્ડ પર નજરે પડતી નથી. જ્યારે આ પ્રકારે ગુમનામ ચાલતી પ્લાયવુડ બનાવતી કંપનીના લીધે આજુબાજુ ખેડૂતોને પણ ભારે નુકશાન સહન કરવું પડી રહ્યું છે કારણ કે જ્યારે પ્લાયવુડ બનાવતા સમયે કંપનીમાંથી ઊડતી બારીક રજ આજુબાજુ ખેડૂતોના ખેતરમાં જાય છે ત્યારે ઉભા પાકને નુકશાન કરે છે અને ખેડૂતોએ વાવેતર કરેલ પાક પર સુકારો લાગી જાય છે. પરંતુ કંપની દ્વારા કોઈ વળતર ચુકવવામાં આવતું નથી પ્રદૂષણ ઓકતી કંપની સામે સ્થાનિક ખેડૂતો અગાઉ અનેક વખત રજૂઆતો કરીને થાક્યા છે પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી કરાઈ નથી ત્યારે હાલ જીપીસીબીના નિયમોને નેવે મૂકીને ધમધમતી આ પ્લાયવુડ બનાવતી કંપની સામે કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે.



